મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલી દારૂ કેસની પૂછપરછ દરમિયાન સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં સ્ટેશનમાં પહોંચી આરોપીઓની ભલામણ કરવા લાગતા પોલીસે તેમને જ નશો કરેલ હાલતમાં ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી એકટીવા મોપેડ કબજે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તા.૧૫ ઑક્ટોબરના રોજ પ્રોહીબીશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં પકડાયેલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી હતી. આ દરમિયાન રાત્રે એક વ્યક્તિ એકટીવા સ્કૂટર રજી.નં. જીજે-૩૬-ક્યુ-૮૯૩૮ લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. તે વ્યક્તિ પોલીસ રૂમમાં પ્રવેશી આરોપીઓની ભલામણ કરવા લાગ્યો અને ઊંચા અવાજે બોલી ત્રાસરૂપ વર્તન કરી રાડો પાડવા લાગેલ જેથી પોલીસને શંકા જતા તપાસ કરતા તે વ્યક્તિ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા ઉવ.૩૭ રહે. મોરબી કંડલા બાયપાસ રોડ ધર્મસૃષ્ટિ સોસાયટી વાળાની અટક કરી હતી. પકડાયેલ આરોપી પોલીસ કોન્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે સસ્પેન્ડ હતા. હાલ એ ડિવિઝન પોલીસે આરોપી સસ્પેન્ડ પોલીસકર્મી પાસેથી એકટીવા મોપેડ કિ.રમ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.