વાંકાનેર નવાપર ખડીપરામાં રહેતા ૬૫ વર્ષીય મહિલાના ઘરે આરોપી છરી સાથે પહોંચી દીકરી વિષે પૂછપરછ કરી ઉશ્કેરાઈ જતાં ઘરમાં ઘૂસી હુમલો કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. હાલ સમગ્ર બનાવ અંગે ભોગ બનાર વૃદ્ધાએ વાંકાનેર સીટી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વાંકાનેર નવાપર ખડીપરા મચ્છુ નદીના કાઠે રહેતા માણેકબેન વેરશીભાઇ મીઠાપરા ઉવ.૬૫ પોતાના ઘરે હતા. ત્યારે તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ બપોરે આરોપી અનવર ઉર્ફ જુમ્મો કાળુભાઇ શેખ રહે. વાંકાનેર ચંદ્રપુર નાળા પાસે વાળો છરી લઈને તેમની પાસે પહોંચ્યો હતો. આરોપીએ ફરીયાદી માણેકબેનને પૂછ્યું કે “મારી દીકરી ક્યાં છે?” જેના જવાબમાં માણેકબેને કહ્યું કે “તમારી દીકરી અહી નથી.” એટલું સાંભળતાજ આરોપી ઉશ્કેરાઇ ગયો અને ફરીયાદીએ દરવાજો ન ખોલતા દરવાજાને પાટા મારી નકુચો તોડી ઘરમાં ઘૂસી આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ માણેકબેન તથા સાહેદ તરીકે હાજર વ્યક્તિ પર છરી વડે આડેધડ ઘા મારી ઈજાઓ કરી હતી. બાદમાં આરોપી ગાળો બોલતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે