મોરબી શહેરના ગાંધીચોક પાસે ખરીદી કરીને ઘરે જતી મહિલાના ગળામાંથી બે અજાણ્યા શખ્સોએ મોટરસાયકલ ઉપર આવી આશરે ૮૦ હજાર રૂપિયાના સોનાનો ચેઇન ગળામાંથી ઝૂંટવી લઈ ગયા અંગેની ઘટના બની છે. હાલ પોલીસે અજાણ્યા બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓને શોધવા ચક્રો ગતીમાન કર્યા છે.
મોરબી શહેરમાં ચીલઝડપની એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકા પોલીસ લાઇન ક્વાર્ટર નં.૩૧ બ્લોક નં.૪ માં રહેતા નિરૂબા મેહુલસિંહ ભીખુભા ભાટીયા મુળરહે-ભાડુકા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સાંજે તે પોતાની દીકરી રીવા, જેઠાણી હેતલબા અને જેઠાણીના દીકરા સાથે મોરબી બજારમાં ખરીદી કરવા ગયા હતા, જે ખરીદી પૂર્ણ કર્યા બાદ રાત્રીના લગભગ ૯ વાગ્યે, તેઓ ગાંધીચોક ખાતે રાજસ્થાન પાઉભાજી વાળાની સામે પહોંચ્યા ત્યારે એક ડબલ સવારી મોટરસાયકલ અચાનક તેમની નજીક આવી. મોટરસાયકલ પર પાછળ બેસેલા અજાણ્યા શખ્સે તેમના ગળામાં પહેરેલી આશરે ૧૦ ગ્રામ વજનના સોનાના ચેઇન કિ.રૂ.૮૦,૦૦૦/-ને ઝાટકો મારી છીનવી લઈ નાસી ગયા હતા. ત્યારે ફરિયાદી નિરૂબા અને તેમના જેઠાણીએ બુમા-બુમ કરતાં આસપાસના લોકો ભેગા થયા હતા, પરંતુ આરોપીઓ રાત્રિના સમયે ઘટના સ્થળે અંધારું હોવાથી નાસી ગયા હતા અને મોટરસાયકલનો નંબર જોઈ શકાયો ન હતો. હાલ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ચીલઝડપનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.