મોરબી શહેતના નવાડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે રેઇડ કરતા, કુલ ત્રણ આરોપીઓ માંથી બે આરોપીઓ મકાનની દીવાલ કૂદીને નાસી ગયા હતા, જ્યારે એક આરોપી પકડાઈ ગયો હતો. જ્યારે મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૨૧ બોટલ મળી આવી હતી. હાલ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, નામચીન બુટલેગર હિતેશ ઉર્ફે મોઢીયો પોતાના સાથીઓ સાથે વિદેશી દારૂનો વેપલો કરવા ભાગીદારીમાં શહેરના નવાડેલા રોડ સ્થિત કુંભાર શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો ઉતારી તેને સગેવગે કરતા હોય અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ હોય, જેથી તુરંત પોલીસ ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો, ત્યારે બહારથી તાળું મારેલ રહેણાંક મકાનમાં બહારથી જોતા મકાનની અંદર અમુક ઈસમો કઈક શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોય જેથી મકાનની દીવાલ કૂદીને પોલીસે મકાનમાં પ્રવેશ કરતા, બે ઈસમો નાસી ગયા હતા, જ્યારે આરોપી હર્ષદભાઈ નાનજીભાઈ મકવાણા ઉવ.૪૯ મહેન્દ્રપરા શેરી નં.૪ મોરબી વાળો પકડાઈ ગયો હતો, જ્યારે આરોપી રાકેશભાઈ દામજીભાઈ પાદરેશા રહે. કુંભાર શેરી દામજીભાઈ મોતીભાઈના ઘરમાં મોરબી તથા આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા રહે.મોરબી એમ બંને આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની કુલ ૨૧ બોટલ કિ.રૂ.૧૩,૬૬૨/- ઝડપી લીધી હતી. આ સાથે પકડાયેલ એક આરોપી તથા નાસી છુટેલ બે આરોપી સહિત ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બન્ને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.