વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી પંજાબ રાજ્યના ત્રણ શખ્સોએ પંજાબી બે પિતરાઈ ભાઈ પર હેર ડ્રેસરની દુકાનમાં છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંન્નેને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકાની ઢૂવા ચોકડી વિસ્તારમાં દેવદીપ હેર ડ્રેસર પાસે રાત્રીના સમયે બનેલી ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી છે. જેમાં ફરીયાદી જસનીતસિંહ બલબીંદરસિંહ ગીલ ઉવ.૩૪ રહે. કમાન્ડર સિરામિક સરતાનપર રોડ વાંકાનેર મૂળરહે. પંજાબ રાજ્યના તરનતારણ જીલ્લાના ડોટીયા ગામના વતનીએ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ આરોપી દિલબાગ સુખદેવસિંહ, પ્રીતપાલસિંહ અને ગુરપ્રીતસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદી જસનીતસિંહ છેલ્લા ત્રણ વર્ષથી વાંકાનેરમાં પ્રાઇવેટ સિક્યુરિટી તરીકે નોકરી કરે છે અને તેનો પિતરાઈ ભાઈ ગુરસેવક ગુરમીતસિંહ પણ સિક્યુરિટીમાં જ નોકરી કરે છે. ફરીયાદી અને આરોપી દિલબાગ સુખદેવસિંહ, બંન્ને પંજાબના વતની હોવાથી, તેમના વચ્ચે જૂની અદાવત ચાલતી હતી. ત્યારે તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ની રાતે આશરે ૯ વાગ્યે ફરિયાદી જસનીતસિંહ અને ગુરસેવક વાળ કપાવવા ઢુંવા ચોકડી ખાતે દેવદીપ હેર ડ્રેસરમાં ગયા હતા ત્યારે અચાનક આરોપી દિલબાગ સુખદેવસિંહ સાથેના પ્રીતપાલસિંહ અને ગુરપ્રીતસિંહ ત્યાં આવી પહોંચ્યા અને ફરીયાદી સાથે ગાળાગાળી શરૂ કરી અને આરોપી દિલબાગે પોતાના પાસેની છરી વડે જસનીતસિંહ અને ગુરસેવક ઉપર આડેધડ ઘા માર્યા હતા. હુમલામાં જસનીતસિંહ અને ગુરસેવકને માથા અને કપાળ પર ગંભીર ઇજા પહોંચી હતી. હુમલા બાદ આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી બંન્ને ઘાયલને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.