મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક સળગાવેલ હાલતમાં મળી આવેલી અજાણી સ્ત્રીની લાશના વણશોધાયેલા હત્યાના કેસનો મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપી નાનેશ્વર પંડેરી પંવારને ઝડપી લીધો છે જ્યારે અન્ય બે સહઆરોપીઓ ફરાર છે.
તા. ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં બિસ્કોઈન કારખાનાની સામે હળવદ-મોરબી હાઇવે પર હરખજીભાઈ કુંડારીયાના ખેતર પાસે સળગાવેલ હાલતમાં એક અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. મૃતક સ્ત્રીની ઓળખ મેળવવા તેમજ હત્યારા આરોપીઓને પકડી લેવા જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી. ફૂટેજ, મોબાઇલ લોકેશન તથા ખાનગી બાતમીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
આ હત્યા કેસમાં એલસીબી/પેરોલ સ્કોડ ટીમે પીપળી ગામ રોડ નજીકથી નાનેશ્વર પંડેરી પંવાર ઉવ. ૪૧ રહે. શિવપાર્ક પીપળી મોરબી મૂળ મહારાષ્ટ્ર વાળાને પકડી પાડ્યો હતો. તેની પુછપરછ દરમ્યાન તેણે ગુનાની કબૂલાત આપતા જણાવ્યું કે, મોરબી ખાતે બે પુત્ર પત્ની અને સાસુ સાથે રહેતા હોય ત્યારે તેમની સાસુ તેમના પુત્રો અને પત્ની સાથે વારંવાર થતી તકરાર અને મનદુ:ખના કારણે, તેણે પોતાના મિત્ર રાહુલ ડામોર (રાજસ્થાન) તથા તેના એક મિત્ર સાથે મળીને આ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ત્રણે મળીને રાત્રે ઘરમાં સુતા સમયે સાસુને ગળે ટૂંકો આપી હત્યા કરી, પછી લાશને કોથળામાં મૂકી હળવદ-મોરબી રોડ પર લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૦૧-ડીએન-૨૭૨૧ કિ.રૂ.૫૦ હજાર તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫ હજાર મળી કુલ રૂ.૫૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હાલ પોલીસે આરોપી નાનેશ્વર પંડેરી પંવાર/પાટીલ ઉવ.૪૧ રહે. શિવપાર્ક પીપળી મોરબી મુળરહે. કલમસરા તા. પાચોરા જી. જલગાવ (મહારાષ્ટ્ર)વાળાની આ હત્યા કેસમાં અટક કરી છે , જ્યારે આરોપી રાહુલ ડામોર રાજસ્થાન વાળો અને તેનો મિત્રને ફરાર દર્શાવી પોલીસે તેને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે