હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે બાઇક અડી જવાના વિવાદે યુવક ઉપર ગામના જ ચાર જેટલા શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો હોવાના બનાવમાં યુવકને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ પીડિત દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામમાં તા.૧૮/૧૦ના રોજ રાત્રીએ બાઇક અડી જવાના મુદ્દે થયેલ બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. ફરિયાદી મેહુલભાઈ રસીકભાઈ સરવૈયા ઉવ.૨૬ રહે.સુંદરી ભવાની ગામ તા.હળવદ વાળાએ હળવદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૮/૧૦બ રોજ ગામના મંદિરની નજીક પોતાનું મોટર સાયકલ લઈને જતાં હતા ત્યારે ગામના જીવાભાઇ રમુભાઇ ભરવાડ સાથે સહેજ બાઇક અડી જતા આરોપી જીવાભાઈએ અપશબ્દો આપવાનું શરૂ કર્યું હતું, તે દરમિયાન આરોપી પીન્ટુભાઇ સીણાભાઇ, શંકરભાઇ પોપટભાઇ તથા જયેશભાઇ ગોકાભાઇ સહિતના શખ્સો હાથમાં લાકડીઓ લઈને આવ્યાં અને એક સંપ કરી ફરિયાદી મેહુલભાઈને લાકડીઓ અને ઢીકાપાટુ વડે બેફામ માર માર્યો હતો. જે બાદ મેહુલભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ફ્રેકચર જેવી ઇજાઓની સારવાર લીધી હતી. હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.