હળવદ શહેરમાં જૂની અદાવતના રોષને પગલે બે જૂથો વચ્ચે લોહીયાળ ઝઘડો થયો હતો. જે ઝઘડામાં છરીના ઘા વાગતા બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
હળવદ શહેરમાં જૂની અદાવતમાં અગાઉની મારા મારીમાં થયેલ પોલીસ ફરિયાદના વિવાદે એક હિંસક ઝઘડાનો બનાવ બન્યો હતો જેમાં બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ મનસુખભાઈ પુંજાભાઈ રાઠોડ રહે.જુના દલિતવાસ સરા રોડ હળવદ દ્વારા આરોપી અમન હસમુખભાઈ પરમાર, કાર્તિક હસમુખભાઈ પરમાર, મોહીત હસમુખભાઈ પરમાર, કલ્પેશ હસમુખભાઈ પરમાર અને હિંમતભાઈ કાનજીભાઈ પરમાર વિરુદ્ધ હળવદ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સવારે બાબાસાહેબ શોપિંગ સેન્ટર નજીકના તળાવ પાસે ફરોયદીના કુટુંબી દિનેશભાઈ રાઠોડને આરોપી અમન હસમુખભાઈ પરમારે ગાળો આપી ધોકાથી હાથમાં માર માર્યો હતો. જે બાદ ફરિયાદી મનસુખભાઈના કુટુંબના મુકેશભાઈ, જીતુભાઈ, રાકેશ તથા બુટાભાઈ સહિતના લોકો અમન અને તેના ભાઈઓને સમજાવવા જતા હોય ત્યારે આરોપી અમન, કાર્તિક અને મોહીત પરમારે છરી લઈને હુમલો કર્યો હતો. હુમલામાં રાકેશ મનસુખભાઈ રાઠોડને પીઠના ડાબા ભાગે છરીનો ઘા મારવામાં આવ્યો હતો જ્યારે બુટાભાઈ રાઠોડને પીઠ અને હાથના ભાગે છરીના ઘા વાગ્યા હતા. એટલું જ નહીં, મોહીત પરમારે બંનેને ઢીંકા-પાટુનો માર માર્યો હતો. અને જાનથી માટી નાખવાની ધમકી આપી તમામ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
હુમલામાં ઘાયલ રાકેશભાઈ અને બુટાભાઈને તરત જ હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી તેમની ગંભીર હાલતને જોતા મોરબી સિવિલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. ડૉક્ટરના જણાવ્યા મુજબ રાકેશની કિડની અને આંતરડામાં તથા બુટાભાઈની આંતરડાં અને પેશાબની નળીમાં ગંભીર ઇજાઓ થયેલી છે. હાલ રાકેશ વેન્ટિલેટર પર છે અને બુટાભાઈ બોલી શકતા નથી. હળવદ પોલીસ સમક્ષ મળેલ ફરિયાદને આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









