એક બાળકિશોર સહિત પાંચ આરોપી સામે ગુનો નોંધાયો, દિવાળીની રાત્રે યુવકની હત્યાથી પરિવાર શોકમગ્ન.
વાંકાનેર શહેરમાં દિવાળીની રાત લોહીયાળ બની ગઈ હતી. જેમાં મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક ધ્રુવ કેરવાડીયા ઉપર પાંચ જેટલા શખ્સોએ છરી તથા ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો, જેમાં મૃતકની છાતીના ભાગે છરીનો ઊંડો ઘા મારી દેતા, યુવકનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હત્યારા બાળ કિશોરને ડિટેઇન કર્યો છે, જ્યારે અન્ય ચાર આરોપીઓની કાયદેસરની અટકાયત કરવામાં આવી છે.
વાંકાનેરમાં દિવાળીની રાત્રે આનંદ અને દીપપ્રકાશ વચ્ચે શહેરના નવાપરા વિસ્તારમાં બનેલી હિંસક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. મિત્ર સાથે થયેલા ઝઘડાના સમાધાન માટે ગયેલા ૨૦ વર્ષીય ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડીયાની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. ત્યારે હત્યાના આ બનાવને પગલે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરીયાદી પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડીયા ઉવ.૫૧ રહે નવાપરા, પંચાસર રોડ વાંકાનેર વાળાએ જણાવ્યું કે તેમનો દિકરો ધ્રુવ તા.૨૦/૧૦ ની રાત્રે વાળ કપાવવા બહાર ગયો હતો. ધ્રુવનો મિત્ર વિપુલ દિનેશભાઈ સાથલિયા સાથે કેટલીક વ્યક્તિઓનો ઝઘડો ચાલતો હતો. જે ઝઘડાના સમાધાન માટે ધ્રુવ તેના મિત્રો દિપક મનસુખભાઈ પરેચા અને કરણ જયેશભાઈ કુંભાર સાથે નવાપરા વાસુકી દાદાના મંદીર સામે પહોંચ્યા હતા. ત્યારે સમાધાનમાં ત્યાં હાજર આરોપીઓ સાહિલ દિનેશભાઈ વિંજવાડીયા, રૂત્વિક જગદીશભાઈ કોળી, અનીલ રમેશભાઈ કોળી, કાનો દેગામા અને એક બાળ કિશોર સહિત બધાએ એકસંપ થઈ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ધ્રુવને છાતીના ભાગમાં છરીનો ઊંડો ઘા મારી દેતા, ધ્રુવ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હોસ્પિટલ ખસેડતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. હુમલાખોરોએ ધ્રુવ અને તેના સાથીદારો પર ઢીંકા-પાટુ વડે પણ હુમલો કર્યો હતો અને બાદમાં ધમકી આપીને ભાગી ગયા હતા. હાલ વાંકાનેર પોલીસે હત્યારા આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવામાં આવી છે.









