મોરબી તાલુકાના જોધપર(નદી) ગામે પાણીના પ્લાન્ટના કારખાનેદાર અને તેમની પત્ની પર બે ભાઈઓએ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. હુમલાના કારણમાં બાજુના કારખાના બહાર અર્ધનગ્ન હાલતમાં બેઠેલ મજૂરને જાહેરમાં યોગ્ય કપડાં પહેરીને બેસવાનું કહેતા સમગ્ર બનાવ બન્યો હતો. ઈજાગ્રસ્ત દંપતીને ૧૦૮ મારફતે સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશીપ શિવમ એપાર્ટમેન્ટ નં.૬૦૩માં રહેતા દિનેશભાઈ ભીખાભાઈ દેકાવાડીયા ઉવ.૫૭ જેઓ જોધપર(નદી) ગામે ‘સંગમ બેવરેજીસ’ નામે પાણીનો પ્લાન્ટ ચલાવે છે. તા. ૨૧ ઑક્ટોબરના રોજ બપોરે ચાર વાગ્યાના આસપાસ તેઓ પોતાની પત્ની મુક્તાબેન સાથે કારખાનાની મુલાકાતે ગયેલા હતા. આ સમયે બાજુમાં આવેલ મારૂતીનંદન પોલીપેક કારખાનાના ગેટ પાસે એક મજૂર શરીરે માત્ર પોતીયું બાંધીને બેઠો હતો. ત્યારે દિનેશભાઈએ તે મજૂરને પ્લાન્ટમાં છોકરીઓ કામ કરતી હોય, તેથી જાહેરમાં યોગ્ય કપડાં પહેરીને બેસવું જોઈએ તેમ કહેતા, મજૂર બિંદભાઈ રહે. જોધપર ગામની સીમ મારુતિ પોલીપેક કારખાનામાં વાળાને સારું નહિ લાગતા એકદમ ઉશ્કેરાઈ આરોપી બિંદભાઈ ગાળો આપવા લાગેલ ત્યારે દિનેશભાઇ સાથે ઝપાઝપી થતા, દિનેશભાઇના પત્ની વચ્ચે પડ્યા હતા. ત્યારે આરોપી બિંદભાઈ અને તેનો ભાઈ અર્જુન પણ આવી ગયો. બંનેએ મળીને દિનેશભાઈ તથા તેમની પત્ની સાથે ઝપાઝપી કરી અને લાકડાના ધોકા વડે દિનેશભાઈના માથા, કાન અને હાથ પર હુમલો કર્યો હતો. મુક્તાબેનને પણ હાથ અને શરીરે ઈજા પહોંચી હતી. હુમલા બાદ બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત દંપતીને તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા અપાઈ હતી. હાલ દિનેશભાઈએ તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.