દાઢી-મૂછ રાખવા બાબતે યુવક ઉપર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી.
મોરબી તાલુકાના જુના આમરણ ગામે નવરાત્રી દરમિયાન બોલાચાલી થયાનો ખાર રાખી યુવકને જાતિ પ્રત્યે હડધૂત કરી, ચાબુક વડે માર મારવામાં આવ્યો હતો. સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ભોગ બનનાર દ્વારા તાલુકા પોલુસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના આમરણ ગામે દાઢી-મૂછ રાખવા અંગેના જૂના વિવાદને પગલે ગામના જ યુવક ઉપર હુમલો થવાનો બનાવ બન્યો છે. જેમાં ફરિયાદી મનોજભાઈ વીરજીભાઈ પરમાર ઉવ.૩૦ રહે. આમરણ ડાયમંડનગર મકાન નં. ૬૬૨ વાળાએ આરોપી ગુલામહુશેન અસરફમિયા બુખારી રહે.આમરણ તા.મોરબી વાળા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, આરોપી સાથે નવરાત્રી દરમિયાન બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ગઇકાલ તા.૨૩/૧૦ના રોજ મનોજભાઈ પોતાના કાકા બિપીનભાઈ દેવજીભાઈ પરમાર સાથે વિવેકાનંદ સ્કૂલની બસને જામનગર રીપેરિંગ માટે લઈ જવાના હતા, એ સમયે આરોપી ગુલામહુસેન બુખારી ત્યાં આવી પહોંચ્યો અને અચાનક ભુડાબોલી ગાળો આપી કહેવા લાગ્યો કે, નવરાત્રીમાં ગરબામાં તું દાઢી-મૂછ રાખીને મર્દાનગી દેખાડતો હતો અને આ રીતે તમે ગામમાં ફરે તે મને વાંધો છે તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત થાય તેમ કહીને આરોપી ગુલામહુસેને હાથમાં રહેલા ચાબુકથી માથા અને ગળાના ભાગે ઘા કર્યા હતા. ત્યારબાદ હાથમાં પથ્થર લઈને મારવા જતા મનોજભાઈએ પથ્થર પકડી લીધો, અને કાકા વચ્ચે પડતાં હુમલાખોર જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









