મોરબી જીલ્લામાં તા. ૨૪ ઓક્ટોબરના રોજ વિવિધ વિસ્તારોમાંથી પાંચ જુદા જુદા અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે. જેમાં બે આત્મહત્યા, એક અકસ્માત, એક વૃદ્ધનું કુવામાં પડી જવાથી અને એક માસુમ બાળકી દ્વારા ભૂલથી કેમિકલ પી જતા મોત થયાં છે. આ બનાવોથી જીલ્લામાં શોકની લાગણી ફેલાઈ છે અને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં અ.મોતની નોંધ કરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં કવિતાબેન રામચરણભાઈ વર્મા ઉવ.૪૦ હાલ રહે. સરતાનપર ગામની સીમમાં બાફીટ સેનેટરીના લેબર ક્વાર્ટરમાં, તા. વાંકાનેર મુળરહે. ગામ કડીયા હાર્ટ તા. બયાવરા જી. રાજગઢ (મ.પ્ર.)વાળાના પોતાના બાળકો વતનમાં હોય જેની સાથે દિવાળીનો તહેવાર મનાવવા માટે પોતાના વતનમાં જવુ હોય અને તેના પતિએ થોડા સમય બાદ જશુ તેવુ કહેતા, કવિતાબેનને મનોમન લાગી આવતા ગઈકાલ તા.૨૪/૧૦ના રોજ કારખાનાના લેબર ક્વાર્ટરનો રૂમ બંધ કરી પંખા સાથે ચુંદડી બાંધી પોતાની જાતે ગળાફાંસો ખાઇ લેતા કવિતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને અ.મોત હેઠળ નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના તીરવા અશોકનગર સોસાયટી, કનૌજના વતની હાલ મીલેનીયમ સીરામિક પાછળ ઢુવા ગામની સીમમાં લેબર ક્વાર્ટરમા રહેતા કરનકુમાર સ/ઓ વિનોદકુમાર કઠેરીયા ઉવ.૩૨ ની પત્નિ પોતાના પિતાને ત્યા જતી રહેલ હોય અને દિવાળીના તહેવારે કરનકુમારે ફોન કરી પોતાની પાસે આવવાનુ કહેતા ન આવતા જે બાબતનુ કરનકુમારને મનોમન લાગી આવતા લેબર ક્વાર્ટરનો રૂમ બંધ કરી પોતાની જાતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ત્રીજા અપમૃત્યુના બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક પ્રભુક્રુપા રેસીડન્સીમાં રહેતા ભીમજીભાઇ જેરામભાઇ કાલરીયા ઉવ.૮૦ ગઈકાલ તા. ૨૪/૧૦ના રોજ હરીગુણ રેસીડન્સી મહેંદ્રનગર ચોકડી મોરબી ખાતે અકસ્માતે કૂવામાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની લાશ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવમાં ૬ વર્ષીય માસુમ બાળકી મનીષા પંકજભાઇ ચતુરભાઇ વિકાણી રહે.વાંકાનેર નાગાબાવાની જગ્યા પાસે પેડક વિસ્તારમાં રહે છે. કે જે મહેન્દ્રનગર કોસ્મો સિરામીકની બાજુમાં દેવીપુજકવાસ મફતીયાપરા મોરબી ૦૨ માં ગત તા.૧૮/૧૦ના રોજ બપોરના સમયે કલરકામ ચાલુ હોય તે દરમ્યાન ભુલથી કલરમાં નાખવાનુ લીકવીડ પી જતા, તેણીને પ્રાથમીક સારાવાર માટે મોરબી બાદ વધુ સારવાર રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોત હેઠળ નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે પાંચમા અ.મૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વિજય તેજાભાઇ ગમારા ઉવ.૨૭ રહે.જુના ટીંબડી ગામ તા. મોરબીવાળા ગત તા. ૨૧ ઓક્ટોબરના રોજ ટીંબડી ગામે આવેલ રામદેવપીર મંદિરના શિખર પર કામ કરતી વખતે વિજયભાઈ અકસ્માતે નીચે પડી ગયા હતા. જેથી માથામાં ગંભીર ઈજા થતાં પહેલા મોરબી અને પછી રાજકોટ પ્રીમિયર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે









