મોરબી તાલુકામાં એક જ દિવસે બે જુદી જુદી જગ્યાએ અપમૃત્યુના બનાવ બન્યા છે. જેમાં ચાંચાપર ગામે ૪૪ વર્ષીય આધેડે ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, જ્યારે જાંબુડીયા ગામે ૨૬ વર્ષીય યુવતીનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું. બન્ને અપમૃત્યુ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં વિમલભાઈ હીરાભાઈ સોમકીયા ઉવ.૪૪ રહે. ચાંચાપર વાળાએ ગત તા. ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રે ગ્રામપંચાયતના પાણીના ટાંકા પાસે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને ગંભીર હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ તેમજ અંતે રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા આખરે વિમલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના મોટાભાઈ સંજયભાઈ પાસેથી પોલીસે પ્રાથમિક વિગતો લઈ અ.મોતની નોંધ કરી છે.
જ્યારે અપમૃત્યુનો બીજો બનાવ જાંબુડીયા ગામે બન્યો હતો. જેમાં કરીબેન લાખાભાઈ કાલુભાઈ ભરવાડીયા ઉવ.૨૬ રહે. જાંબુડીયાવાળા નીલકોર બાર્થ સિરામિક પાછળના વિસ્તારમા કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ સ્થાનિક રહેવાસી રમેશભાઈએ મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









