મોરબી શહેરમાં મચ્છુ નદીના પાડા પુલ પરથી ઝંપલાવનાર બે યુવકોના મૃતદેહો આશરે ૩૩ કલાકની સતત શોધખોળ બાદ મળી આવ્યા છે. મોરબી, રાજકોટ તથા એસડીઆરએફની સંયુક્ત ટીમોએ ત્રણ બોટની મદદથી દિવસ-રાત શોધખોળ ચાલુ રાખી હતી. અંતે રાત્રીના બાર વાગ્યા બાદ બન્નેના મૃતદેહો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી શહેરના પાડા પુલ ઉપરથી તા. ૨૪ ઓક્ટોબરના રોજ બપોરે આશરે ૩.૩૦ કલાકે બે યુવકોએ અચાનક નદીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાદમાં રાજકોટ ફાયર વિભાગ તથા એસડીઆરએફની ટીમોને પણ બોલાવવામાં આવી હતી. કુલ મળીને ૨૨થી વધુ જવાનો, ત્રણ બોટ તથા રેસ્ક્યુ સાધનોની મદદથી સતત ૩૩ કલાક સુધી નદીમાં શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આખરે તા. ૨૫ ઓક્ટોબરની રાત્રીના આશરે ૧૨ વાગ્યા બાદ બંને યુવકોના મૃતદેહો મળી આવ્યા હતા. મૃતક તરીકે હર્ષદ બળદેવભાઈ પારધી ઉવ.૨૦ રહે. વવાણીયા અને અનિલ કનુભાઈ ભંખોડીયા ઉવ.૨૭ રહે. વીસીપરા મોરબી તરીકે ઓળખ થઈ હતી. ફાયર બ્રિગેડ ટીમોએ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢી મોરબી પોલીસના હવાલે કર્યા હતા. જે બાદ બંને મૃતદેહોને કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.









