વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે બલેનો કાર ચાલકે પીધેલી હાલતમાં પોતાની કાર ચલાવી વાંકાનેર-મિતાણા વાળા રોડ ઉપર એક સીએનજી રિક્ષાને હડફેટે લેતા, કાર અને રીક્ષામાં નુકસાની કરી હતી. અકસ્માતની જાણ તાલુકા પોલીસને કરતા, પોલીસે સ્થળ ઉપર પહોંચી નશામાં ધૂત કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન અને એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલ તા.૨૭/૧૦ના રોજ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામ નજીક બલેનો કાર રજી.નં. જીજે-૦૬-પીઈ-૫૬૭૨ ના ચાલક ભાવિનભાઈ હસમુખભાઈ દવે ઉવ.૪૧ રહે.અયોધ્યા ચોક રવિ-કૃષ્ણ હાઈટ્સ રાજકોટ મૂળ રહે. ધ્રોલ જોળીયા ગેઇટ પાસે જઈ.જામનગર વાળાએ નશો કરેલ હાલતમાં પોતાની કાર ફૂલ સ્પીડ અને બેદરકારીથી ચલાવી વાંકાનેર-મિતાણા રોડ ઉપર એક સીએનજી રીક્ષાને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પીપળીયારાજ ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરતા, વાંકાનેર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઉપરોક્ત બલેનો કાર ચાલક આરોપીની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









