વાંકાનેર શહેરની મેઈન બજારમાં સાયકલ સાથે એકટીવા અથડાતા સાયકલ સવાર કિશોરને ઇજા પહોંચી હતી જે બાબતે એકટીવા ચાલકના પિતાની દુકાને જઈ તેમને ફડાકા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈસમો વિરુદ્ધ ભોગ બનનાર વેપારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વકનેરની આશિયાના સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ દાઉદભાઈ માણકીયા ઉવ.૩૯ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઇરફાનભાઇ અબ્દુલભાઇ કાજી અને આરોપી વસીમભાઈ અબ્દુલભાઇ કાજી બન્ને રહે. વાંકાનેર સલોત શેરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૧૯/૧૦ના રોજ ફરિયાદી ઇમરાનભાઈના દીકરા એકટીવા ચલાવી ઘરેથી વાંકાનેર મેઈન બજારમાં આવેલ તેમની દુકાને આવતા હોય તે દરમિયાન એક સાયકલ સાથે એકટીવા અથડાતા સાયકલ સવારને ઇજા પહોંચી હતી, ત્યારે તેનો ખાર રાખી ઉપરોક્ત બન્ને આરોપીઓ ફરિયાદીની દુકાને આવી જેમફાવે તેમ અપશબ્દો બોલી ફરિયાદીને બે-ત્રણ ફડાકા ઝીકી દીધા હતા. જે બાદ દુકાનના કર્મચારી અને આજુબાજુ વાળા લોકો એકઠા થઇ ફરિયાદીને વધુ મારથી છોડાવેલ, ત્યારે બન્ને આરોપીઓએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ સામે બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









