વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક હાઇવે ઉપર ડમ્પર ચાલકે બેફિકરાઇપૂર્વક પોતાનું વાહન ચલાવી કાવુ મારતા, રોડ ઉપર પસાર થઈ રહેલા ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઇક સવાર બંને યુવકો રોડ ઉપર પટકાયા હતા, જે અકસ્માતમાં બન્ને યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અકસ્માત અંગેની ફરિયાદ મુજબ, તા. ૨૭ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રે આશરે અગિયાર વાગ્યાના અરસામાં, વાંકાનેર રેલવે સ્ટેશનથી સમઢીયાળા ગામ તરફ જતા રસ્તા પર, ગારીડા ગામ પાસે હાઇવે રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ફરીયાદી રાહુલભાઈ રામસ્વરૂપ ગરવા ઉવ.૨૫ હાલ રહે.સનરાઇઝ સ્ટીલ કોલોની વાંકાનેર મૂળ રાજસ્થાનવાળા પોતાના મિત્ર સુનીલ મનીરામ બીશ્નોઇ સાથે મોટર સાયકલ રજી. નં. જીજે-૩૬-એબી-૭૬૮૧ ઉપર સનરાઇઝ સ્ટીલ કારખાનામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવતા ડમ્પર રજી. નં. જીજે-૧૨-બીવાય-૯૩૫૪ ના ચાલકે બેફિકરાઇપૂર્વક પુરઝડપે વાહન હંકારી રોડ ઉપર કાવુ મારતા બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં બાઇક પાછળ બેઠેલ ફરીયાદી રાહુલભાઈને માથાના પાછળના ભાગે ઇજા પહોંચી હતી, જ્યારે બાઇક ચાલક સુનીલ મનીરામ બીશ્નોઇનો પગ ડમ્પરના જોટા નીચે આવી જતા તેને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ત્યાં જ મુકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


 
                                    






