મોરબી અને હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના સંયુક્ત ઉપક્રમે હુતાત્મા કારસેવકોની યાદમાં રક્તદાન શિબિર અને લોકાર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન સાથે સાથે, જનસેવા અને સ્વરૂચીભોજન દ્વારા સમાજજાગૃતિનો સંદેશ આપવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ મોરબી પ્રખંડ તેમજ મોરબી ગ્રામ્ય દ્વારા સંયુક્ત ઉપક્રમે તા. ૨ નવેમ્બર ૨૦૨૫ રવિવારના રોજ સંસ્કારધામ બ્લડ બેંક, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી ખાતે સવારે ૯ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત, હળવદ પ્રખંડ દ્વારા પણ તા. ૧ નવેમ્બર ૨૦૨૫ શનિવારના રોજ લુહાણા મહાજન વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૧.૩૦ દરમિયાન રક્તદાન શિબિર તથા જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સ લોકાર્પણ સમારંભ યોજાશે. આ કાર્યક્રમ બાદ બપોરે ૧૨.૩૦ કલાકે સ્વરૂચીભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા જણાવાયું છે કે આ રક્તદાન શિબિર શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલન દરમિયાન કારસેવકો પર થયેલ ગોળીબાર અને બલિદાન આપનાર હુતાત્માઓની સ્મૃતિમાં આયોજિત કરવામાં આવી છે. આ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રપ્રેમ, સમાજસેવા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર મોરબી તથા હળવદ તાલુકાના હિન્દુ સમાજ, યુવાનો અને સેવાભાવી નાગરિકોને રક્તદાન કરી અને કાર્યક્રમમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે









