મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત બીએલસી ઘટક માટે ૫ થી ૭ નવેમ્બર સુધી ત્રણ સ્થળોએ કેમ્પ યોજાશે. રૂ. ૩ લાખથી ઓછી આવક ધરાવતા નાગરિકો નવા આવાસ માટે નોંધણી કરાવી શકશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત બીએલસી (બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકના લાભાર્થીઓ માટે વિશેષ કેમ્પ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા પરિવારોને સસ્તા અને સુવિધાસભર રહેઠાણ પૂરું પાડવાનો છે. રૂ. ૩.૦૦ લાખથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ ખુલ્લા પ્લોટ કે કાચા, અર્ધકાચા અથવા જર્જરિત મકાન પાડીને નવા આવાસનું બાંધકામ કરવા માટે ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી શકશે. આ યોજના હેઠળ એક નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૪ લાખની સહાય ચાર હપ્તામાં આપવામાં આવશે.
આ કેમ્પ મેળા દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવશે. કેમ્પ સ્થળ અને સમય મુજબ, તા. ૦૫ નવેમ્બરને બુધવારે: મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૬ કચેરી દરબારગઢ વોટર પમ્પીંગ સ્ટેશન ઓફિસ મોરબી સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૫ વાગ્યા સુધી, તા.૦૬ નવેમ્બરને ગુરુવારે દીપ્તિ આરોગ્ય કેન્દ્ર સિસ્ટરનો બંગલો ફૂલછાબ કોલોની વિસીપરા મોરબી સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૦૫ વાગ્યા સુધી જ્યારે તા.૦૭ નવેમ્બરને શુક્રવારે મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૭ કચેરી વિશ્વકર્મા બાલમંદિર વાંકાનેર દરવાજા મોરબી સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૫ વાગ્યા સુધી. આ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સરકારની આ યોજનાનો લાભ લઈને પોતાના સ્વપ્નનું ઘર બાંધવાની તકનો લાભ લે તેમ યાદીમાં જણાવ્યું છે.









