મોરબી શહેરના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક સર્વિસ રોડ ઉપર બે બાઇક વચ્ચે થયેલ અકસ્માતના બનાવમાં માળીયા(મી)ના દેરાળા ગામના બાઇક ચાલક યુવકનું અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતક યુવકના પિતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી) ના દેરાળા ગામે રબારી શેરીમાં રહેતા નિઝામખા મહંમદખા ખોરમ ઉવ.૫૫ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી બાઇક રજી.નં. જીજે-૦૮-ડીએન-૮૬૫૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૧૦/૧૦ના રાત્રીના ફરિયાદીનો દીકરો અફઝલખા પોતાનું હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-ઈએન-૨૩૯૯ લઈને સો ઓરડી શોભેશ્વર રોડ તરફથી ત્રાજપર ચોકડી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ત્રાજપર ચોકડી નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર યા ગરીબી નવાઝ હોટલ સામે, સામેથી આવતા ઉપરોક્ત મોટર સાયકલને ચાલકે પોતાનું મોટર સાયકલ ફૂલ સ્પીડ અને ગફળતભરી રીતે ચલાવી આવી અફઝલખા ના મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત અફઝલખા ને મોરબી, રાજકોટ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે અમદાવાદ સારવાર દરમિયાન તા.૧૩/૧૦ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









