વાંકાનેરમાં નેશનલ હાઇવે ઉપર આસ્થાગ્રીન સોસાયટીના ગેટ સામે ચાલીને રોડ ક્રોસ કરતી વખતે ૬૦ વર્ષીય વૃદ્ધા કારની ઠોકરે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હોસ્પિટલ લઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર બનેલા અકસ્માતમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. જે માર્ગ અકસ્માતના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, મંત્રી સોસાયટી ધર્મનગર વાંકાનેરમાં રહેતા કનાભાઈ ઠાકરશીભાઈ સોળમીયાએ આરોપી કાર રજી.નં. જીજે-૨૭-કે-૫૨૩૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી કનાભાઈની માતા મધુબેન ઠાકરશીભાઈ સોળમીયા ઉવ.૬૦ તા.૦૧ નવેમ્બરના રોજ સાંજના સમયે પોતાના ઘરે જવા માટે આસ્થાગ્રીન સોસાયટીના ગેટની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે હાઇવે પર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવીને આવતા કારના ચાલકે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મધુબેનને માથામાં તથા પગમાં ગંભીર ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતના બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા એમવી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









