માળીયા(મી) તાલુકાના સોનગઢ ગામે રામજી મંદિર પાછળ ટેન્કર મારફતે ડીઝલ ચોરી કરતા બે ઇસમોને માળીયા(મી) પોલીસે રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. ૪૭,૧૪,૮૦૦/-ના મુદામાલ સહિત આરોપીઓને ઝડપ્યા છે જ્યારે એક સહઆરોપી રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાને અનુસંધાને જીલ્લા પોલીસ તંત્ર ડીઝલ ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ સામે કડક પગલા લઈ રહ્યું છે. ત્યારે માળીયા(મી) પોલીસ મથક પીઆઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી કે, સોનગઢ ગામના રામજી મંદિર પાછળ અમુક ઇસમો ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરી રહ્યા છે. માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી ૨૦૦ લીટરની ક્ષમતાવાળા ૯ બેરલમાં ભરેલ ૧૮૦૦ લીટર ડીઝલ કિ.રૂ. ૧.૪૪ લાખ, એક ટેન્કર જીજે-૧૯-વાય-૧૫૫૧ કિ.રૂ. ૨૮ લાખ અને તેમાં ભરેલ ૨૨,૦૦૦ લીટર ડીઝલ કિ.રૂ. ૧૭.૬ લાખ, બે મોબાઇલ મળી કુલ રૂ.૪૭,૧૪,૮૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓ શ્યામજીસિંહ કૈલાશસિંહ રાજપૂત ઉવ.૫૩ હાલ રહે.અમદાવાદ મૂળરહે. ઉત્તરપ્રદેશ તથા આરોપી પરેશભાઈ ઉર્ફે લાલો ભુરાભાઈ વીરડા ઉવ.૪૧ રહે. સોનગઢ ગામ તા.માળીયા(મી)વાળાને પકડી પાડ્યા છે, જ્યારે ત્રીજો સહઆરોપી દશરથભાઈ જશાભાઈ હુંબલ રહે.મોટી બરાર તા.માળીયા(મી) સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.









