હળવદ તાલુકાના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટના કંપાઉન્ડ વોલના ફેન્સિંગ વાયર કાપી અજાણ્યા ચોરોએ ટ્રાન્સફોર્મર રૂમ નજીકથી લગભગ ૧૦૦૦ મીટર કોપર કેબલ લઈને ચાલ્યા ગયા હતા. હાલ હળવદ પોલીસે આરોપી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં મળતી ફરિયાદ મુજબ, સુમિતભાઈ રાજેન્દ્રકુમાર પંડ્યાએ ઉવ.૩૫ રહે.મોરબી શનાળા રોડ સત્યમ પાન વાળી શેરી મૂળ રહે. અમરેલી જીલ્લાના માણેકપરા ગામના વતનીએ ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૦૧/૧૧/૨૦૨૫ ના સાંજે ૧૮:૩૦ થી તા. ૦૪/૧૧/૨૦૨૫ ના સવારે ૦૯:૩૦ સુધીના સમયગાળામાં હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમામાં આવેલ તેમની માલિકીના સોલાર પ્લાન્ટની જગ્યાએ અજાણ્યા ચોરોએ કંપાઉન્ડ વોલ ઉપર બાંધેલી ફેંસીંગ વાયર કાપી, બાદમાં અંદર પ્રવેશ કરી ટ્રાન્સફોર્મર રૂમની નજીક રાખેલા ઇલેક્ટ્રિક કોપર કેબલ આશરે ૧૦૦૦ મીટર કિ.રૂ.૪ લાખ કાપીને લઈ ગયા હતા. હાલ નોંધાયેલ ફરિયાદને આધારે હળવદ પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.









