“જોવા જેવી દુનિયા”: જ્ઞાનવિધિ, સત્સંગ અને સંસ્કારયુક્ત કાર્યક્રમોથી મોરબીમાં સર્જાયો આધ્યાત્મિક મહાકુંભ, પ્રતિદિન હજારો લોકો અનુભવે છે નવી પ્રેરણા.
મોરબી: દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતી મહોત્સવના ચોથા દિવસે મોરબીમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો. “જોવા જેવી દુનિયા” પ્રદર્શનને મળેલા ઊર્જાસભર પ્રતિસાદથી લઈને લોકગાયક ઓસ્માણ મીરની ભક્તિ, ૩,૫૦૦ લોકો દ્વારા જ્ઞાનવિધિનો લાભ અને પૂજ્ય દીપકભાઈના જ્ઞાનપૂર્ણ સત્સંગોથી સમગ્ર મહોત્સવ ભવ્ય બન્યો હતો. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતીયાએ મોરબીજનોને આ અવસરનો પૂર્ણ લાભ લેવા વિનંતી કરી છે. દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતી મહોત્સવનો ચોથો દિવસ જ્ઞાન, ભક્તિ, સંસ્કાર અને આનંદનું મિશ્રણ બની રહ્યો હતો. મોરબી જેવા શહેરમાં આધ્યાત્મિક મહાકુંભનું આયોજન સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક ક્ષણો સર્જી રહ્યું છે.
મોરબીમાં ઉત્સવનો મહિમા, ચોથો દિવસ અનોખું તેજ લઈને આવ્યું. પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતી મહોત્સવ મોરબીમાં ધૂમધામથી ચાલી રહ્યો છે. ૬ નવેમ્બર ૨૦૨૫નો દિવસ “આધ્યાત્મિકતા, અનુભૂતિ અને જ્ઞાનનો ઉત્સવ” બની રહ્યો હતો. મોરબીના રવાપુર-ઘુનડા રોડ પર હજારો લોકો ભક્તિમય વાતાવરણમાં ઉમટી પડ્યા હતા. “જોવા જેવી દુનિયા” સમાજને સંસ્કાર આપતું પ્રદર્શન છે. મુલાકાતીઓએ સમૂહ પ્રતિભાવ આપ્યો કે આ માત્ર પ્રદર્શન નથી, પરંતુ સમાજના સુધારા અને બાળકોને સારા સંસ્કાર આપવા દાદા પરિવારનો વિશેષ પ્રયત્ન છે. ફૂડ કોર્ટમાં લાઈવ રસોઈ અને અભૂતપૂર્વ ચોખ્ખાઈ, સુંદર ઓર્ગેનાઈઝેશન, વિશાળ પાર્કિંગ અને બાળકો માટેનું મનોહર આયોજન, આધુનિક ટેકનોલોજી દ્વારા સંસ્કાર સમજાવતી અનોખી થીમ, “અહીંથી મનોરંજન નહિ પરંતુ આત્મબળ, મૂલ્ય અને નવી વિચારસરણી મળે છે” એવું દર્શકોનું મંતવ્ય હતું.
આ ઉપરાંત મંચ પર ભક્તિગાન કરતા લોકપ્રિય ગાયક ઓસ્માણ મીરે ભાવુક બની જણાવ્યું કે,
“પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈના સત્સંગોમાંથી વર્ષો સુધી પ્રેરણા લીધી. આજે તેમની સામે બેસીને ગાવાનો મોકો મળ્યો, એ મારા જીવનની યાદગાર ક્ષણ છે.” બીજીબાજુ જ્ઞાનવિધિ બે કલાકની અંદર ‘હું કોણ છું?’નો અનુભૂતિમય પ્રવાસમાં, ૫ નવેમ્બરના રોજ યોજાયેલી ખાસ જ્ઞાનવિધિમાં લગભગ ૩,૫૦૦થી વધુ લોકોએ આત્મજ્ઞાન મેળવ્યું હતું. શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિ મોરબીમાં આ જ્ઞાનવિધિને “અપૂર્વ અવસર” ગણાવ્યો હતો. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીની માટીને “ભાગ્યશાળી” ગણાવી અને કહ્યું કે, “પૂજ્ય દીપકભાઈને મળવાનો, પ્રશ્ન પૂછવાનો અવસર દુર્લભ છે. મોરબીજનો એક વાર નહીં, વારંવાર સમય કાઢીને અહીં આવે.”
પૂજ્ય દીપકભાઈના સત્સંગના મુખ્ય બિંદુઓમાં જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. ચોરી ન કરવી, જુઠું ન બોલવું = જ્ઞાન, “સાકર મૂકીએ ત્યારે મીઠાશ હોય એ વિજ્ઞાન”, જ્ઞાન કરવું પડે, વિજ્ઞાન પોતે જ કાર્ય કરે. જ્ઞાન + ભક્તિ = ભગવાન સાથેનો અભેદ અનુભવ. ત્યાગનો સાચો અર્થ “વસ્તુનો નહીં, મૂર્છાનો ત્યાગ કરવો”, ઘડિયાળનો મોહ છોડો, ઘડિયાળ નહીં, તો દુઃખ નહીં થાય. “હું કોણ છું?”નો અદ્વિતીય જવાબ “હું શરીર નથી, રિલેટીવ નથી, હું શુદ્ધ આત્મા છું” જ્યારે ચાર ગતિઓના વર્ણનમાં પાશવી આનંદ = તિર્યંચ ગતિ, હિંસા = નર્કગતિ, માનવીય નીતિ = માનવ ગતિ, શુદ્ધતા અને કર્મવિહીનતા = મોક્ષ. અહંકાર અને અભિપ્રાય પર માર્ગદર્શન આપતા દીપકભાઈએ જણાવ્યું કે, “જેટલું નિર્દોષ જોઈશું, એટલા સંસારના પ્રોબ્લેમ્સ ઓછ થશે.” પ્રશ્નોત્તરી સત્સંગ દરેક માટે ખુલ્લો અવસર છે. તારીખ ૬ અને ૭ નવેમ્બર રાત્રી ૮ થી ૧૧:૩૦. ૭ નવેમ્બર સવારે ૧૦.૧૫ થી ૧૨.૪૫ આ સત્સંગની ખાસિયત એ છે કે કોઈપણ વ્યક્તિ પોતાને મૂંઝવતા દૈનિક કે આધ્યાત્મિક પ્રશ્નો સીધા પૂજ્ય દીપકભાઈને પૂછીને સમાધાન મેળવી શકે છે.









