હળવદના ભલગામડા ગામે ૨૨૦ કે.વી. સબસ્ટેશનના બાંધકામ માટે રેતી ન નાખવા દેવાના વિવાદમાં ત્રણ ઈસમોએ ભલગામડાના ખેડૂત સાથે મારકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં બુટભવાની માતાજીના મંદિરે જવાના પાટીયા નજીક ૦૪ નવેમ્બરના રોજ રેતી મુદ્દે વિવાદ ઊભો થયો હતો. જેમાં ફરીયાદી રઘુભાઈ બનેસંગભાઈ ભાટિયા ઉવ.૪૬ રહે. ભલગામડા તા.હળવદ વાળા ત્યાં હાજર હતા ત્યારે બોલેરો કેમ્પરમાં આવેલા ત્રણ આરોપીઓ સામતભાઈ રામજીભાઈ ઝાપડા રહે. હળવદ, જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા અને હરદિપસિંહ સુખદેવસિંહ ઝાલા બન્ને રહે. સાપકડા તા.હળવદ વાળાએ ફરિયાદીને ૨૨૦ કે.વી. સબસ્ટેશનના બાંધકામમાં કેમ રેતી ન નાખવા દેવાનું કહી એકદમ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ઢીકાપાટાનો માર માર્યો હતો. તથા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ પીડિત રઘુભાઈએ હળવદ પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









