મોરબીમાં રિસામણે રહેલ પરિણીતા પોતાના દિકરાને રમાડવા પતિના ઘરે આવતા, પતિ તથા સસરાએ ઝપાઝપી કરી ઢીકા પાટુનો માર મારી, પરિણીતાને નાકમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હાલ સમગ્ર મામલે ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસે પતિ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં યુવતી પર તેના જ પતિ અને સસરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, નીશાબેન ધીરેનભાઈ ભુદરભાઈ માકાસણા ઉવ.૩૦ રહે. અરૂણોદયનગર જૈન દેરાસરની સામે મોરબી હાલરહે.બી-૨ ૦૨ શ્યામ સ્કાયલાઈફ રાજકોટ વાળા છેલ્લા નવ મહિનાથી રીસામણે પોતાના માતા-પિતા સાથે રહે છે. ત્યારે નીશાબેન દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી તરીકે તેમના પતિ ધીરેનભાઈ ભુદરભાઈ માકાસણા અને સસરા ભુદરભાઈ માકાસણા બન્ને રહે. પંચાસર રોડ સનરાઇજ વીલા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, નીશાબેનના લગ્ન પાંચેક વર્ષ પહેલા ધીરેનભાઈ માકાસણા સાથે થયા હતા અને તેમને ત્રણ વર્ષનો દીકરો પક્ષાલ છે. જે હાલ પતિ સાથે રહે છે. ગત તા. ૨૬ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ નીશાબેન પોતાની માતા રાજેશ્રીબેન સાથે પોતાના દીકરાને મળવા માટે નેક્સેસ સિનેમા પાસે ગયા હતા. ત્યાં પતિ દીકરાને લઈને આવ્યા હતા પરંતુ પાંચ-સાત મિનિટમાં દીકરાને સાથે રાખી ચાલ્યા ગયા હતા. બાદમાં બપોરે લગભગ ૧૧:૪૫ વાગ્યે નીશાબેન અને તેમની માતા દીકરાને ફરી જોવા માટે પંચાસર રોડ સ્થિત સનરાઈઝ વિલા ખાતે પતિના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા જ સસરા ભુદરભાઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા, ત્યારબાદ પતિ ધીરેનભાઈ દીકરા સાથે આવ્યા અને અચાનક નીશાબેન સાથે ઝપાઝપી શરૂ કરી હતી. પતિના ધકકા કારણે નીશાબેન નીચે પડી ગયા અબે તેમને નાક પાસે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે તેમની માતાને પણ ઢીકાપાટા વડે મૂંઢ ઇજા પહોંચી હતી.
આ મામલે દેકારો થતા પડોશીઓ ભેગા થઈ ગયા હતા, જે અરસામાં પોલીસ ત્યાં આવી પહોચતા નીશાબેનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા નીશાબેનને નાકના ઉપરના ભાગે ફ્રેક્ચર થયેલ હોવાનું નિદાન થયું હતું. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









