મોરબીમાં ૧૦ નવેમ્બરે યોજાયેલી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્વભંડોળના ૯.૨૧ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે. છેલ્લા બે મહિનાથી અટવાયેલા ૬.૦૯ કરોડના કામોને પણ મંજૂરી મળતા રાહત મળી છે. ખેડૂતોના મુદ્દાઓ અને પાક વીમા યોજના જેવા મુદાઓ સભામાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા. જ્યારે બાંધકામ મંજૂરીમાં જૂની પદ્ધતિ ફરી શરૂ કરવાની માંગમાં ભાજપ-કોંગ્રેસ એક સુરે દેખાયા હતા.
મોરબી જીલ્લામાં તા. ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ રાજકીય તીખાશ અને વિકાસલક્ષી ચર્ચાઓની વચ્ચે જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. સભામાં મુખ્યત્વે સ્વભંડોળના કુલ રૂ. ૯.૨૧ કરોડના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ખાસ નોંધનીય એ રહ્યું કે છેલ્લા બે મહિનાથી અટવાયેલા રૂ. ૬.૦૯ કરોડના કામો પણ આખરે મંજૂર થતા તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા જાગી છે. સભા દરમિયાન ચર્ચાઓમાં સૌથી વધુ ભાર ખેડૂતોના પ્રશ્નો પર રહ્યો હતો. વિપક્ષ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવાની જોરદાર માંગણી કરી હતી. સાથે જ પાક વીમા યોજનાની હાલની વ્યવસ્થા ખેડૂતોના હિતમાં નથી એવા આરોપ સાથે સરકારને આડે હાથ લેવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષના નેતા ભુપતભાઇ ગોધાણીએ ખેડૂત વર્ગની પરિસ્થિતિ ગંભીર બની રહી હોવાનું જણાવી જૂની પાક વીમા યોજના પુનઃ અમલમાં લાવવાની માંગણી કરી.
વિકાસ કાર્યોની મંજૂરી અંગે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીએ જણાવ્યું કે વિકાસ કમિશનર પાસેથી અભિપ્રાય ન મળવાના કારણે ઘણી કામગીરી અટકી પડી હતી, જોકે હવે માર્ગ મોકળો બન્યો છે અને અટવાયેલા કાર્યો ઝડપથી હાથ ધરાશે. સભામાં એક મહત્વની ચર્ચા બાંધકામ મંજૂરી પદ્ધતિ અંગે થઈ હતી. નવી પદ્ધતિથી સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલી અંગે બન્ને પક્ષોએ એક જ સૂરે વાત કરી અને જૂની પદ્ધતિ ફરી શરૂ કરવાની માંગણી કરી હતી. જો કે આ મુદ્દો નીતિ સંબંધિત હોવાથી ઠરાવ મંજૂર કરવામાં આવ્યો નહોતો, પરંતુ ભવિષ્યમાં આ મુદ્દે રાજ્ય સ્તરે વિચારણા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે









