વાંકાનેરમાં મોટર સાયકલ લઈને નીકળેલ વૃદ્ધને તેમની શેરીમાં જ રહેતા એક ઈસમ દ્વારા તેમને રોકી પોલીસમાં અરજી કેમ કર્યાનું કહી, વૃદ્ધને આંખના ભાગે જોરદાર મુક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ભોગ બનનાર વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર સીટીમાં ર્ડો. આંબેડકરનગર શેરી નં. ૩ માં રહેતા દેશાભાઈ કરશનભાઇ બોસીયા ઉવ.૭૧ ગઈ તા.૦૯/૧૧ ના રોજ સાંજે પોતાના મિત્રના ઘરેથી પરત પોતાના ઘરે મોટરસાયકલ લઈને જતા હતા, તે દરમિયાન ર્ડો.આંબેડકરનગર શેરી નં. ૩ માં પહોચતા સામેથી દેશાભાઈની જ શેરીમાં રહેતા પ્રવીણભાઈ ખીમજીભાઈ ચાવડા ગાળો બોલતા આવતા હતા, અને તેઓએ દેશાભાઈના મોટર સાયકલનું હેન્ડલ પકડીને તેમને જતા રોક્યા અને જેમ ફાવે તેમ ગાળો આપી કહ્યું કે, ‘ તારા દીકરાના લગ્ન પ્રસંગે મારા વિરુદ્ધમાં પોલીસ મથકમાં કેમ અરજી કરી હતી’ તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈને દેશાભાઈને આંખના ભાગે જોરદાર મુક્કો મારતા, તેઓ મોટરસાયકલ સહિત નીચે પડી ગયા હતા. જે બાદ આજુબાજુથી માણસો ભેગા થઈ જતા, આરોપી પ્રવીણભાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત દેશાભાઈને તેમના દીકરા દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યારે સમગ્ર બનાવ અંગે દેશાભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી પ્રવીણભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









