મોરબી તાલુકાના આમરણ ગામથી ફટસર ગામની વચ્ચે રોડ ઉપર છકડો રીક્ષાના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી સામેથી આવતા બાઇકની જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી છકડો રીક્ષા લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મોરબી તાલુકાના આમરણ ગામ નજીક વધુ એક હિટ એન્ડ રન અકસ્માતની ઘટનામાં એક આશાસ્પદ યુવકનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જે અકસ્માત અંગે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ જામનગર જીલ્લાના જોડીયા ગામે મોટાવાસ બંદર રોડ ઉપર રહેતા અશગરભાઈ ઇસ્માઇલભાઈ સેડાત ઉવ.૫૨ વાળાના દીકરા મુબારકભાઈ પોતાનું જીજે-૧૦-ડીએલ-૫૯૯૧ લઈને જતા હોય તે દરમિયાન આમરણ ગામથી ફટસર ગામની વચ્ચે પાણીના પુલીયા પાસે રોડ ઉપર સામેથી છકડો રીક્ષા રજી.નં. જીજે-૧૦-ડબલ્યુ-૪૨૦૨ વાળાના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેજવાબદાર રીતે ચલાવી આવી મુબારકભાઈના મોટર સાયકલને ઠોકરે ચડાવતા તેઓ મોટર સાયકલ સહિત રોડ ઉપર પડી જતા, તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ છકડો રીક્ષાનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









