વાંકાનેર શહેરમાં ભાટીયા સોસાયટી વિસ્તારમાં ઘર આગળ ફટાકડા ફોડવાની મનાઇ કરતા અસામાજિક તત્વોએ કુહાડી, ધોકા અને પાઇપ વડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે યુવતી સહિત ચાર સભ્યોને ઈજા પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્ત યુવતીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ૬ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર શહેર પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, ગઈ તા. ૧૧/૧૦ના રોજ ભાટીયા સોસાયટી જલારામ જીન પાછળ રહેતી ૨૨ વર્ષની યુવતી મુસ્કાનબાનુ અફઝલખાન પઠાણએ પોતાના ઘર પાસે ફટાકડા ફોડવાની મનાઈ કરતાં પડોશમાં રહેતા છ આરોપીઓએ ગુસ્સે થઈ પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જે આરોપીઓમાં નાજીમભાઇ આબીદભાઇ કલાડીયા, અબરાર આબીદભાઇ કલાડીયા, મુબીનભાઇ ઇસ્માઇલભાઇ માથકીયા, આર્યનભાઇ મેહમુદભાઇ મકવાણા, સલમાનભાઇ મુન્નાભાઇ કાજી અને મુનાફભાઇ ઇકબાલભાઇ કલાડીયાએ ધોકા, પાઇપ અને કુહાડી જેવા હથિયારો વડે ફરીયાદી અને તેના પરિવારજનોને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલામાં ફરીયાદી મુસ્કાનબાનુ, તેની બહેન સાનિયાબેન તથા ભાઈ અસરફખાન સહિત ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓ સને ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









