વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં એક મહિલા સહિતના પરિવાર ઉપર હુમલો થયો હતો. આરોપીઓએ લાકડી અને ઢીકા પાટુ વડે માર મારતા ત્રણ જણાને ઈજા થઈ હતી. હાલ પોલીસે ભોગ બનનારની ફરિયાદને લઈને છ જેટલા આરોપીઓ સામે ગુન્હો દાખલ કર્યો છે.
વાંકાનેર શહેરના આંબેડકરનગર શેરી નંબર-૩ ખાતે બે પાડોશી પરિવાર વચ્ચે બનેલ બનાવમાં ફરિયાદી વૈશાલીબેન મહેશભાઈ રાઠોડે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલ તા.૧૧ નવેમ્બરના રોજ સવારે આરોપી મહેશભાઈ મનુભાઈ સોલંકી અને મનુભાઈ નથુભાઈ સોલંકી ફરીયાદીના ઘર પાસે ઊભા રહી ગાળો બોલતા હતા. જેથી ફરીયાદીના પિતા અરવિંદભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઝગડો થયો હતો. દરમિયાન આરોપી મહેશભાઈ અને પ્રકાશભાઈ સોલંકીએ લાકડી વડે અરવિંદભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. વચ્ચે છોડાવવા ગયેલ ફરિયાદી વૈશાલીબેનને આરોપી મહેશભાઈએ લાફો અને ઢીકા પાટુનો માર મારી ચહેરા અને હાથ પર ઈજા પહોંચાડી હતી. જે બાદ ફરિયાદી વૈશાલીબેનના ભાઈ જીતેશભાઈને પણ આરોપીઓએ લાકડી વડે માર મારી પગમાં ઈજા પહોંચાડી હતી. દરમિયાન આરોપી જયાબેન અને સીતલબેન સોલંકીએ વૈશાલીબેનના હાથ અને વાળ પકડી ઢીકા પાટુ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. હાલ ફરિયાદી વૈશાલીબેને આરોપી બે મહિલા સહિત છ વ્યક્તિઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વ8રૂઢ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









