BLA–BLO સંકલનથી મતદાર સેવાઓ મજબૂત કરવા ચર્ચા કરવામાં આવી.
મોરબી જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંગે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઈ હતી. મતદાર યાદી સુધારણા માટે BLAની નિયુક્તિ અને BLO સાથે મળીને વધુ અસરકારક કામગીરી કેવી રીતે થાય તેના મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠક બાદ વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ પોતાના અભિપ્રાય આપ્યા હતા.
મોરબી જીલ્લામાં તાજેતરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અમલીકરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. તા. ૧૧/૧૧/૨૦૨૫ ના રોજ સાંજે ૫ વાગ્યે જીલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ રાજકીય પક્ષોને આમંત્રિત કરીને બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ SIR કાર્યક્રમની વિગતવાર સમજૂતી આપી મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયાને વધુ શક્તિશાળી બનાવવાનો હતો. બેઠક દરમ્યાન બુથ લેવલ એજન્ટ (BLA) ની નિમણૂંકને અત્યંત મહત્વ આપવામાં આવ્યું હતું. BLA અને બુથ લેવલ ઓફિસર (BLO) વચ્ચે સંકલન વધે તો મતદાર યાદીમાં રહેલા સુધારા-ઉમેરા-હટાવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બને તેવી ચર્ચા કરવામાં આવી હતી. મતદારોને ઘેર બેઠા યોગ્ય માર્ગદર્શન મળે અને ફોર્મ-6, 7, 8 તેમજ 8A સંબંધિત કાર્યોમાં કોઈ મુશ્કેલી ન રહે તે માટે રાજકીય પક્ષોની ભૂમિકા પણ સ્પષ્ટ કરવામાં આવી હતી. બેઠક બાદ વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ SIR કાર્યક્રમને મતદાર સુવિધા માટે જરૂરી ગણાવી પોતાના પ્રતિભાવ આપ્યા હતા









