મોરબી-રાજકોટ હાઇવે પર મીતાણા બ્રિજ પાસે સિગ્નલ કે લાઇટ વિના ઉભેલી ટ્રક પાછળ રીક્ષા અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો.હાલ ટ્રકચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.
મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારાના મીતાણા બ્રિજ નજીક બનેલી એક દુર્ઘટનામાં એકનું મોત અને એક વ્યક્તિ ઘાયલ થવાના બનાવે ચકચાર મચાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૧૦ નવેમ્બર ૨૦૨૫ની રાત્રે આશરે પોણા નવ વાગ્યાના સમયે મોરબી તરફથી છતર ચીપ્સના કારખાનામાં કામ કરતા કારીગરોને તેડવા જતી એક સીએનજી રીક્ષા રજી.નં.જીજે-૩૬-ડબલ્યુ-૯૬૩ મીતાણા બ્રિજ પાસે પહોંચી હતી. તે દરમ્યાન રોડ ઉપર અશોક લેલન્ડ ટ્રક રજી. નં. જીજે-૩૨-વી-૮૬૮૯ ના ચાલકે કોઈ પણ ચેતવણી કે લાઇટ વિના બંધ હાલતમાં પોતાનો ટ્રક ઉભો રાખવામાં આવ્યો હતો. ત્યારે અંધારના હિસાબે રોડ ઉપર બંધ ટ્રક દેખાઈ ન આવતાં રીક્ષા તેની પાછળ અથડાઈ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચલાવતા પ્રતાપભાઈ દુલાભાઈ દેલવાણીયા ગંભીર રીતે ઘાયલ થઈ માથા અને શરીરે ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રીક્ષામાં સવાર તેમના ભત્રીજા નિલેશ દેલવાણીયાને શરીરે મુઢ ઈજા તથા માથામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. હાલ મૃતકના ભાઈ ગોપાલભાઈ દુલાભાઈ દેલવાણીયા રહે. લાયન્સનગર મોરબી વાળાએ ટંકારા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









