વાંકાનેર શહેરના મહાવીરનગર વિસ્તારમાં ગાળો બોલવાના વિવાદે મારામારી સુધી વાત પહોંચી હતી. ત્યારે આ બનાવ બાબતે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષના કુલ ૧૨ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો મુજબ, વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટીમાં રહેતા જયાબેન મનુભાઇ સોલંકી ઉવ.૪૫એ આરોપી અરવિંદભાઇ રૂપાભાઇ સોલંકી, જીતેશભાઇ અરવિંદભાઇ સોલંકી, વૈસાલીબેન, હેતલબેન, ભવાનભાઇ રૂપાભાઇ સોલંકી અને નીલેશભાઇ ભવાનભાઇ સોલંકી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી કે, ઉપરોક્ત આરોપીઓએ ગત તા ૧૧/૧૧ ના રોજ સાહેદ અમૃતભાઇ પર છુટ્ટી ઈટો મારી બંને પગમાં ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ફરીયાદી તથા તેમની દિકરી સીતલબેન આરોપીના ઘરે સમજાવવા ગયા ત્યારે આરોપી મહિલાઓએ ગાળો બોલી ઢીકા પાટુથી હુમલો કરી જમણા ખભામાં ઈજા પહોંચાડી હતી. તેમજ આરોપી જીતેશભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે. આ બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે, વધુમાં ગઈકાલે થયેલ ફરિયાદ અનુસંધાને આજરોજ વળતી ફરિયાદ સહિત પોલીસે કુલ ૧૨ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









