અનેક ગામોની માંગણી અને રજૂઆતને અંતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે રોડની કાયાપલટ.
મોરબી જીલ્લાના મહત્વના વાંકાનેર-કુવાડવા રોડ પર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રીસર્ફેસિંગ કાર્ય હાથ ધરાયું હતું. વરસાદ બાદ ખરાબ હાલતમાં આવેલા રોડને કરોડોના ખર્ચે નવો બનાવી ગ્રામજનોને સુરક્ષિત તથા આરામદાયક પ્રવાસની સુવિધા મળતા ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
મોરબી જીલ્લામાં માર્ગ સુવિધાના સુધારા માટે જીલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) સતત કાર્યરત છે. આ અંતર્ગત હાલ વાંકાનેર-કુવાડવા રોડ ઉપર રીસર્ફેસિંગ કાર્ય હાથ ધરાયું છે. મોરબી જીલ્લાના મહત્વના ગણાતા આ માર્ગ પર નવો ડામર લેયર નાખી રોડનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેથી વાહનચાલકોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળી શકે. તાજેતરના વરસાદ બાદ વાંકાનેર-કુવાડવા રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે અમરસર સહિત આસપાસના ગામોના રહેવાસીઓ લાંબા સમયથી આ માર્ગના સુધારાની માંગ કરી રહ્યા હતા. ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને લેતા જીલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.કે. સોલંકીની દેખરેખ હેઠળ આ રોડનું નવીનીકરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ હેઠળ આશરે ૧૬ કિલોમીટર લાંબા રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે અને કરોડોના ખર્ચે આ માર્ગને સંપૂર્ણ નવો રૂપ અપાઈ રહ્યો છે. રોડની આ કાયાપલટથી અમરસર તથા આસપાસના ગામોના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે હવે આ માર્ગ ઉપરથી પરિવહન વધુ સુગમ અને સુરક્ષિત બનશે. આ રીસર્ફેસિંગ કાર્ય પૂર્ણ થયા બાદ વાંકાનેરથી કુવાડવા માર્ગ પર મુસાફરી વધુ આરામદાયક બનશે તેમ યાદીમાં જણાવ્યું છે









