મોરબી શહેરમાં જમીન સંબંધિત વધુ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં વજેપર ગામે સર્વે નં. ૭૬૭ પૈકી ૨ ની મિલકત પર ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો જેવા દસ્તાવેજો બનાવી જમીન વેચવાનો પ્રયાસ કરતાં બે વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધાયો છે.
મોરબીમાં ઉપરા છાપરી જમીન કૌભાંડ વચ્ચે વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મોરબી રાફડાની વાડી, શનાળા રોડ ઉપર રહેતા બાબુભાઈ તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાએ મોરબી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી અમિતભાઈ મોહનભાઈ પરમાર રાધા પાર્ક, નવા બસસ્ટેન્ડ પાછળ મોરબી અને દર્શીતભાઈ પ્રવીણભાઈ મેવાડા રહે.લાયન્સનગર મોરબી વાળાએ સાથે મળીને ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચવાનો મહાપ્લાન રચ્યો હતો. જેમાં ફરિયાદી બાબુભાઇના પિતાજી તળશીભાઈ ભગવાનજીભાઈ સતવારાની માલિકીની વજેપર સર્વે નં. ૭૬૭ પૈકી ૨ ની જમીન કોઈ મિલકતધારક મીલનભાઈ પ્રકાશભાઈ ફુલતરીયાને વેચાણ કરવાની વાત કહી આરોપીઓએ ખોટી ઓળખ રજૂ કરી હતી. આ માટે આરોપીઓએ ફરીયાદીના પિતાના નામે બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ખોટો વારસાઈ આંબો તૈયાર કર્યો હતો. અમિતભાઈ પરમારે તો પોતાનો ફોટો ધરાવતું ડુપ્લિકેટ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી તળશીભાઈ નામ ધારણ કરીને તેને મૂળ દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ગોટાળાનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે જમીન ખરીદવા આવેલા મીલનભાઈ ફુલતરીયાને દસ્તાવેજો ડુપ્લિકેટ અને શંકાસ્પદ લાગી આવતાં તેમણે ઘટનાની જાણ ફરિયાદી બાબુભાઇને કરી હતી. ફરિયાદી અને તેમના પરિવારજનો તથા સાક્ષીઓએ સ્થળ પર હાજર રહી આરોપીને પૂછપરછ કરતા સ્વીકાર્યું કે ખોટા દસ્તાવેજો આરોપી દર્શીતભાઈ મેવાડાએ આપ્યા છે અને ડીલ માટે તેમને રૂ. અઢી લાખ અપાશે તેવી વાત કરવામાં આવી હતી. ત્યારે શંકાસ્પદ પરિસ્થિતિ સર્જાતાં ૧૧૨ ઇમરજન્સી પર કોલ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન બે અજાણ્યા યુવાનો મોટરસાયકલ જીજે-૦૩-એચએમ-૬૨૧૦ માં આવી આરોપી અમિતભાઈને જબરદસ્તી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, પરંતુ હાજર લોકોએ તેનો વિરોધ કરતાં બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા. ત્યારબાદ આવેલા PC-R વાન દ્વારા આરોપી અમિતભાઈ પરમારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી અમિતભાઈ પાસેથી મેળવેલા બધા જ બનાવટી દસ્તાવેજોમાં ખોટું આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈની નકલ, મોબાઈલ ફોન તેમજ તેના મૂળ દસ્તાવેજો જપ્ત કર્યા છે. બંને આરોપીઓએ કાવતરૂ રચી જમીન વેચાણની છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાવતા હાલ પોલીસે બન્ને આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૧(૨), ૩૧૯, ૩૩૭, ૩૩૮ અને ૩૪૦(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









