મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા યુવકને વ્યાજખોરીના જુના દેવાના બહાને પાંચ જેટલા શખ્સોએ ધમકાવી, ગાળો આપી તેમજ ત્રીસ લાખ રૂપિયાની બળજબરીથી વસૂલી કરવાનો પ્રયાસ કર્યો હતો. મુદ્દલ તથા વ્યાજની સંપૂર્ણ ચુકવણી કરવા છતાં વ્યાજખોરોએ ચેકનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ, અમીતભાઈ વિનોદભાઈ વાડોલીયા ઉવ.૨૬ રહે. મકનસર ગોકુલનગર વાળા વ્યાજખોરીના ચક્રમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા. ફરિયાદી અમિતભાઇએ આરોપી દીલીપભાઈ ઉર્ફે ભગવાનભાઈ વાલજીભાઈ આલ રહે. ગોકુલનગર મકનસર તથા આરોપી ઈમરાનભાઈ તેમજ ઈમરાનભાઈ સાથે આવેલ અન્ય ત્રણ અજાણ્યા માણસો સહિત પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદીએ આરોપી દીલીપભાઈ ઉર્ફે ભગવાનભાઈ વાલજીભાઈ આલ પાસેથી ૩૦ ટકાના ચમડાતોડ વ્યાજે રૂ. ૨.૫૦ લાખ લીધા હતા. જે માટે સમયાંતરે સંપૂર્ણ મુદ્દલ અને વ્યાજ ચૂકવી દીધા બાદ પણ આરોપીએ તેમના પાસેથી સહી કરેલા લેવામાં આવેલા બે ચેકમાંથી એક ચેક આરોપી ઈમરાનભાઈને કોઈ જાણ કર્યા વિના આપી વિશ્વાસઘાત કર્યો હતો. ત્યારે ગત તા.૩૧/૧૦ ના રોજ આરોપી ઈમરાનભાઈ તેમજ તેની સાથે આવેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રૂ. ૩૦ લાખ પડાવવા હોય જેથી આરોપીઓએ આ તરકટ રચ્યું હોવાના આક્ષેપ સાથે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ચારેય આરોપી સામે મનીલેન્ડ એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









