મોરબીમાં દોશી એમ.એસ. & ડાભી એન.આર. હાઈસ્કૂલમાં આગની પરિસ્થિતિને નિર્દેશ કરતી મોકડ્રિલ યોજાઇ હતી, જેમાં બે કેઝ્યુલિટીને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકાની ફાયર ટીમે ૮ મિનિટમાં પહોંચી સફળતાપૂર્વક આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
મોરબીના પંચાસર ચોકડી બાયપાસ રોડ, મહાવીર નગર ખાતે આવેલી શ્રી દોશી એમ.એસ. & ડાભી એન.આર. હાઈસ્કૂલમાં તા. ૧૨/૧૧ ના રોજઆગની પરિસ્થિતિ સર્જાતા મોરબી ફાયર કન્ટ્રોલરૂમને સવારે ૧૧.૧૪ કલાકે કોલ મળ્યો હતો. કોલ અનુસાર શાળાના બીજા માળે આગની ઘટના સાથે બે કેઝ્યુલિટીઓ ફસાયેલ હોવાની માહિતી આપવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ મોરબી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ માત્ર ૮ મિનિટમાં ફાયર ફાઇટર અને તમામ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે હાજર થઈ ગઈ હતી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગની જાણ થતાં જ શાળામાં લગાવેલી ફાયર અલાર્મ સિસ્ટમ તાત્કાલિક ચાલુ કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને એસેમ્બલી એરિયામાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફાયર જવાનોએ તાત્કાલિક બીજા માળે પહોંચીને ફસાયેલી બે કેઝ્યુલિટીઓને રેસ્ક્યૂ કરી નીચે ઉતારી હતી અને તેમને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શાળાની ફાયર ફાઇટિંગ સિસ્ટમ સાથે મોરબી મહાનગરપાલિકાના ફાયર બાઉઝરની મદદથી આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી હતી.
આ આખી ઘટનાને મોકડ્રિલ તરીકે જાહેર કરતા હાજર સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીગણે રાહતનો શ્વાસ લીધો હતો. મોકડ્રિલ કાર્યક્રમ દરમિયાન સૌએ ફાયર વિભાગને પૂરતો સહકાર આપ્યો હતો. મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની હાજરીમાં આ મહત્વપૂર્ણ મોકડ્રિલ યોજાઈ હતી. આનો મુખ્ય ઉદ્દેશ આગ કે અન્ય આપત્તિના સમયે કેવી રીતે ઝડપી બચાવ કામગીરી કરવી અને કેઝ્યુલિટીઓને બચાવવી તે અંગે શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો હતો. અંતમાં ચીફ ફાયર ઓફિસર, મોરબી મહાનગરપાલિકાએ અપીલ કરી હતી કે, “આવી કોઈ અગમચેતી અથવા દુર્ઘટના સર્જાય તો તરત જ ૧૦૧, ૧૧૨ અથવા મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨૨૩૦૦૫૦ ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે









