જીલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારોના આરોગ્ય તપાસની સાથે વિવિધ આરોગ્ય ટેસ્ટ કરાયા.
મોરબીમાં સરકારની ફિટ ઈન્ડિયાની સંકલ્પના સાથે મોરબી જીલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે તથા પટેલ લેબોરેટરી અને વાત્સલ્યમ્ના તંત્રી પરેશભાઈ પારીઆના સહયોગથી મીડિયાકર્મીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસ માટેનો કેમ્પ યોજાયો હતો જેનો જીલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો.
મીડિયાકર્મીઓની ચિંતા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની નેમ સાથે ગત વર્ષથી સમગ્ર રાજ્યમાં વિવિધ જીલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓના સહકારથી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પત્રકારો માટે વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેનો શુભારંભ કરાવ્યો હતો. જે હિતલક્ષી ઉપક્રમના બીજા વર્ષે આ આયોજનના ભાગરૂપે મોરબીમાં વિશેષ નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. તા ૧૫/૧૧ ના રોજ યોજાયેલ આ આરોગ્ય કેમ્પમાં મોરબી જીલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારકો, સવાર તેમજ સાંધ્ય દૈનિકના પ્રતિનિધિઓ/તંત્રીઓ, વિવિધ રાષ્ટ્રીય, રાજ્ય, પ્રાદેશિક તેમજ જીલ્લાકક્ષાના ન્યુઝ ચેનલ અને ડિજિટલ મીડિયાનાના પ્રતિનિધિઓ, સાપ્તાહિક/પાક્ષિકના તંત્રીઓ/પ્રતિનિધિઓ સહિતનાએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો









