મોરબી જીલ્લાના શિક્ષક મિત્રો ઉપર વધી રહેલા કામના બોજ, અનુચિત વર્તન અને SIR કામગીરીને કારણે શિક્ષણ ક્ષેત્રે પડી રહેલી અસર અંગે મીડિયા દ્વારા મુદ્દાને નિર્ભયપણે ઉજાગર કરવામાં આવ્યા બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જીલ્લાએ તમામ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
મોરબી જીલ્લામાં કાર્યરત બીએલઓ મિત્રો જેમાં ખાસ કરીને શિક્ષકવર્ગ સરકારની વિવિધ કામગીરીઓ, ઓવરલોડેડ ઑનલાઈન પ્રક્રિયા, વધતા દબાણ અને અનુચિત વર્તન જેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં SIR કામગીરીની અસરના પગલે શિક્ષણ પર પડતી નકારાત્મક અસર, મહિલા કર્મચારીઓ સામે ઉભી થતી મુશ્કેલીઓ અને સુવિધાયુક્ત કાર્ય પરિસ્થિતિના અભાવ જેવા મુદ્દાઓ જીલ્લા સ્તરે ગંભીર ચર્ચાનો વિષય બન્યા છે. આ પરિસ્થિતિમાં શિક્ષક મિત્રોની વાચા બનીને, સમાજ, પ્રબંધન અને સંબંધિત અધિકારીઓ સુધી આ સમસ્યાઓને સ્પષ્ટ અને જવાબદાર રીતે પહોંચાડવામાં જીલ્લા સ્થિત પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા હાઉસે મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા બે દિવસથી સતત પ્રકાશિત થઇ રહેલા સમાચારોએ ન્યાય, સન્માન અને યોગ્ય કાર્ય પરિસ્થિતિની માંગણીને વધુ મજબૂત બનાવી છે.
મીડિયાના આ નિષ્પક્ષ અને સંવેદનશીલ અભિગમને બિરદાવતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જીલ્લા દ્વારા નિવેદન આપ્યું કે મીડિયા દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર સમાચાર સુધી મર્યાદિત નથી, પરંતુ એક સકારાત્મક પરિવર્તનના શરૂઆતનો પાયો છે. સંગઠને તમામ મીડિયા પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ભવિષ્યમાં પણ સમાજહિત અને શિક્ષણક્ષેત્રના પ્રશ્નોમાં એવો જ સહકાર પ્રાપ્ત થતો રહેશે એવી અપેક્ષા છે.









