મોરબીમાં ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં મહાનુભાવો નાગરિકો જોડાયા હતા. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવા યુવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આર્ય સમાજ સંસ્થા ટંકારાથી મહાનુભાવોએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેનું હરબટીયાળી ખાતે સમાપન થયું હતું.
સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે મોરબી જિલ્લામાં ટંકારા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુકહે આ આયોજન અન્વયે શુભેચ્છાઓ પાઠવી હતી અને સરદાર પટેલના જીવનના પ્રસંગો વર્ણવી તેમની નીડરતા અને વિચારોને આજની યુવા પેઢીને જીવનમાં ઉતારવા જણાવ્યું હતું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો છે. સરદાર પટેલ કે, જેમણે દેશ દુનિયાને અખંડિતતાનો સંદેશો આપ્યો એવા લોખંડી પુરુષના વિચારોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે. વક્તા અનિરુદ્ધસિંહ પઢિયારે લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન-કવન તેમજ ભારતની આઝાદી અને સત્યાગ્રહો તથા ભારતના એકીકરણમાં તેમની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું હતું.
આર્ય સમાજ ટંકારા ખાતે મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર તેમજ સુકરની આંટી પહેરાવી હતી. તેમજ લીલી જંડી બતાવી આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ટંકારા સર્કિટ હાઉસ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ ટંકારા દ્વારા આ યાત્રાનો ફુલહાર તેમજ પુષ્પવર્ષા કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, આ યાત્રામાં મહાનુભાવો, અગ્રણીઓ, પદાધિકારીઓ/અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.









