હળવદ તાલુકાના ચરાડવા ગામે રામ પારાયણ પુર્ણાહુતીની પોથીયાત્રામાં ભીડનો લાભ લઈને અજાણ્યા ચોર ઇસમો દ્વારા ચાર જેટલી મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચોરી કરી હતી, ત્યારે ભોગ બનનાર વૃદ્ધાની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદના ચરાડવા ગામે રહેતા તખુબેન ઓધવજીભાઈ મોહનભાઇ સોનગ્રા ઉવ.૬૦ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૨૩/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ દરમિયાન ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કથાના પુર્ણાહુતી દિવસે તા.૩૧/૧૦/૨૦૨૫ના રોજ કથા સ્થળેથી મહાકાળી આશ્રમ ખાતે પોથીયાત્રા નીકળી જેમાં ભીડનો લાભ લઈને ફરિયાદી વૃદ્ધા સહિત અન્ય ત્રણ મહિલાના ગળામાંથી અજાણ્યા ચોર દ્વારા સોનાના ચેઇનની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









