હળવદના કેદારીયા ગામની સીમમાં નવા બની રહેલા કારખાનાના પટાંગણમાં ક્રેટા કારની અંદર ઝેરી દવા પી કારખાનેદારે આપઘાત કરી લીધો હતો. ૧૦૮ તબીબ સ્ટાફે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા બાદ હળવદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હળવદના સરા રોડ પર ઉમા સોસાયટીમાં રહેતા અને મોરબી તાલુકાના પીપળીયા ગામના વતની નવનીતભાઈ રૂગનાથભાઈ આદ્રોજા ઉવ.૪૪ એ હળવદ-માળિયા હાઈવે પર કેદારીયા ગામ નજીક આવેલા તેમના નવા બની રહેલા કારખાનાના પટાંગણમાં પોતાની ક્રેટા કારની અંદર અજાણ કારણસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ તેમના પાર્ટનરને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, જ્યાં પહોંચેલા તબીબ સ્ટાફે તપાસ કરતાં નવનીતભાઈને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હોવાની માહિતી સામે આવી છે. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ હળવદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.









