ફેસબુકના ગ્રુપથી શરૂ થયેલ ફ્રોડ વ્હોટ્સએપ ગ્રૂપ સુધીમાં લોભામણી સ્કીમો, સર્વિસ ટેક્ષના બહાને ડોકટરે મસમોટી રકમ ગુમાવી.
હળવદના ડોક્ટરની ફેસબુક દ્વારા પરિચિત બનેલા વ્યક્તિઓએ સ્ટોક એક્સચેન્જમાં વધુ નફો કરાવવાની લાલચ આપી વ્હોટ્સએપ ગ્રૂપ મારફતે ૪૩.૫૫ લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં “સર્વિસ ટેક્ષ”ના નામે રૂ. ૪.૫૯ લાખ વધારાની રકમ માગી, કુલ ૪૮.૧૪ લાખની સાયબર ઠગાઈ કરી હતી. હાલ સમગ્ર બનાવ મામલે પીડિત ડોક્ટર દ્વારા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાહીત વિગત મુજબ, ફરીયાદી ચેતનકુમાર લાભુભાઈ જાકાસણિયા ઉવ.૩૯ રહે. ઉમીયા પાર્ક સોસાયટી સરા રોડ હળવદ મૂળ રહે. હળવદ તાલુકાના રાણેકપર ગામના વતનીએ આરોપી (૧)ઈરીના ફેડોરોવા, (૨)દીપક મલ્હોત્રા, (૩)રોહીત (ગ્રૂપ એડમિન કસ્ટમર સર્વિસ), (૪)વ્હોટ્સએપ ગ્રૂપ ક્રીએટર તથા તેમના મળતીયા લોકો સામે ફરિયાદ નોંધાવી કે, ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ થી ૦૩ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન થયેલી સાયબર ઠગાઈ અંગે ફરિયાદી ચેતનકુમાર ફેસબુક મેસેન્જર મારફતે “ઈરીના ફેડોરોવા’ નામની આઈડી સાથે પરિચિત થયા હતા. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ આરોપી ઈરીનાએ તેમને સ્ટોક એક્સચેન્જમાં રોકાણ દ્વારા મોટી કમાણી થઈ શકે તેવી વાત કરી રસ જાગાવ્યો હતો. ત્યારબાદ તેની સાથે કાર્યરત દીપક મલ્હોત્રા, રોહીત (કસ્ટમર સર્વિસ) તથા વ્હોટ્સએપ ગ્રૂપ ક્રીએટર સહિતના લોકો સાથે ગુનાહીત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ “Y96 SIG Customer Service” નામનું એક વ્હોટ્સએપ ગ્રૂપ બનાવી ફરીયાદીને તેમાં એડ કરી, ગ્રૂપમાં આરોપી દીપક મલ્હોત્રાએ આકર્ષક નફાવાળી સ્કીમો સમજાવી, રોકાણ કરાવવાનું કહેતા ફરિયાદીએ વિવિધ બેંક એકાઉન્ટ નંબરો ઉપર કુલ રૂ. ૪૩,૫૫,૦૦૦/- મકલી રોકાણ કર્યું હતું.
જે બાદ ફરીયાદી જ્યારે પોતાની રકમ વિથડ્રો કરવા તૈયાર થયા ત્યારે આરોપી ગ્રૂપ એડમીન રોહીતે સર્વિસ ટેક્ષ ભરવો પડશે તેમ કહી વધારાની રૂ. ૪,૫૯,૦૦૦/- અલગ એકાઉન્ટમાં જમા કરાવવા કહ્યું. ફરીયાદી વિશ્વાસમાં આવી રકમ જમા કરાવતા કુલ રૂ. ૪૮,૧૪,૦૦૦/-ની ઠગાઈ થયેલી હોવાનું બહાર આવ્યું છે. રોકાણ કરેલ રકમ કે તેનો નફો પરત ન મળતા ફરીયાદી ડોક્ટર ચેતનકુમારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે બીએનએસ તથા આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ મથક પીઆઇ એન.એ.વસાવા દ્વારા સમગ્ર સાયબર ઠગાઈ અંગે તપાસ શરૂ કરી છે.









