હળવદ કોઇબા રોડ સીમ વિસ્તારમાં ટાટા કંપનીના ઇલેક્ટ્રિક ટાવર પોલ મંડાવવાના કામ દરમિયાન વેસ્ટ બંગાળના શ્રમિકને ડેરીક પોલનો પાછળથી ધક્કો વાગતા ગંભીર ઇજા થઈ હતી. જેથી તેમને હળવદ, મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લાવતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
હળવદ પોલીસ સ્ટેશનમાં જાહેર કરનાર મૃતકના નાનાભાઈ ભરતભાઈ મનીભાઈ બાસકે પોલુસની આપેલ વિગતો અનુસાર મરણ જનાર પોતાનો ભાઈ તીનકરી મનીભાઈ બાસક ઉવ ૩૩ રહે. વેસ્ટ બંગાળના વતની અને હળવદ કોઇબા રોડ સીમ વિસ્તારમાં રહેતા હતા. ત્યારે તા. ૨૪/૧૦/२०૨૫ ની સાંજે ટાટા કંપનીના ઇલેક્ટ્રિક ટાવર પોલ મંડાવવાનું કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન ડેરીક પોલનો પાછળથી ધક્કો વાગતા સળિયો તેમનાં પેટના ભાગે નાભી અને ગુપ્તાંગ વચ્ચે ગંભીર રીતે વાગ્યો હતો. જેથી ઇજાગ્રસ્ત તીનકરી બાસકને તાત્કાલિક હળવદની શ્રીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા બાદમાં તેમની સ્થિતિ નાજુક બનતા મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં સારવાર દરમિયાન તા. ૨૬/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ફરજ પરના ડૉક્ટર દ્વારા તીનકરી બાસકને મૃત જાહેર કર્યા હતા. હાલ હળવદ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









