મોરબી શહેરમાં વ્યાજખોરીના કેસમાં વેપારી યુવકને પઠાણી ઉઘરાણી, ગાળો-ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ હોવાનું સામે આવ્યું છે. આ સાથે વેપારી યુવકે બે વ્યાજખોર સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જેમાં મોમ્સ હોટલની પાછળ નિતીન પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનકુમાર કાંતીલાલ ઠોરીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ટીનાભાઈ ઉર્ફે વરુણભાઈ જીવણભાઈ જીલરીયા રહે.શનાળા તથા આરોપી ભાવેશભાઈ રબારી રહે.મોરબી વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરીયાદ મુજબ, ફરિયાફી ચેતનકુમારના નાનાભાઈ પીન્ટુભાઈએ દોઢેક વર્ષ પહેલા આરોપી વરૂણ ઉર્ફે ટીનાભાઈ જીવણભાઈ જીલરીયા રહે.શનાળા ગામ વાળા પાસેથી ત્રણ લાખ રૂપિયા માસિક ૩૦ ટકા વ્યાજે લીધેલા. વ્યાજની રકમ દર મહીને ૯૦ હજાર રૂપિયા ભરવામાં આવતા અને નવ લાખ જેટલુ વ્યાજ આપેલ ત્યારબાદ ફરીના ભાઇએ ત્રણ લાખના પાચ ટકાના વ્યાજ ચુકવી આપવાની વાત કરેલ અને તેની અવેજીમા ફરીયાદીના ભાઇએ તેના બેન્કનો ચેક રૂ.૩,૫૦,૦૦૦/- નો લખી આપેલ હોય. જે બાદ વ્યાજની રકમ સમયસર નહી આપતા આરોપીએ ફરીયાદીને અલગ અલગ જગ્યાએ બોલાવી ગાળો આપેલ અને આરોપી ટીનાભાઈ ઉર્ફે વરુણભાઈ તથા આરોપી ભાવેશભાઈ રબારી રહે.મોરબી વાળાએ સાથે મળી ગઇ તા.૧૪/૧૧/૨૦૨૫ ના રોજ ફરીયાદીના ઘર પાસે જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ શહેર પોલીસે બન્ને આરોપીઓ સામે ભારતીય ન્યાય સહીતા તથા મનીલેન્ડર્સ એકટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









