હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ ઉપર ખેડુતોએ મુકેલ ઇલેકટ્રીક મોટરોની ચોરી થવાનો ભેદ ઉકેલાયો છે. મોરબી ક્રાઇમ બ્રાંચ ઇલેકટ્રીક મોટરોની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો તથા ચોરીનો માલ રાખનાર સહિત કુલ ૬ આરોપીઓને મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનમાં ગત તા ૧૮/૧૧/૨૦૨૫ના રોજ ઇલેકટ્રીક મોટરોની ચોરીની બે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હળવદ તાલુકાના સુસવાવની ગોરાસરી નામે ઓળખાતી સીમમાં ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપર બનેલ છે. જ્યાં ખેડુતો દ્વારા અલગ અલગ જગ્યાઓએ અલગ-અલગ હોર્સપાવરની ઇલેકટ્રીક મોટરો મુકેલ હતી. જે મોટરો રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ ચોરી કરી લઇ ગયા હતા. આ બંન્ને ગુન્હાઓમાં મળી કુલ ૧૨ જેટલી ઇલેકટ્રીક મોટરો જેની કુલ કિંમત રૂ. ૨,૨૫,૦૦૦/- ની ચોરી થઇ છે. જે ઇલેકટ્રીક મોટરો ચોરી અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે બે અલગ-અલગ ગુન્હાઓ રજીસ્ટર કર્યા હતા. જે ગુન્હાને લઈ મોરબી એલ.સી.બી. દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ બંન્ને મોટરચોરીના ગુન્હાઓને અંજામ આપનાર ઇસમો મોરબી માળીયા ફાટક સરકીટ હાઉસ સામે નશીબ સ્ક્રેપ નામના ભંગારના ડેલામા એક GJ377 2550 નંબરની બોલેરોમાં ઇલેક્ટ્રીક મોટરો(દેડકા)ને તોડી તેમાંથી નિકળેલ ત્રાંબાના વાયરનો ભંગાર તથા લોખંડ એલ્યુમિનીય, પીતળ, બીડ વિગેરે ગાડીમાં ભરી વેચવા જવા સારૂ પેરવી કરે છે. જે હકીકત આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર કરણભાઇ મોતીભાઇ ટોળીયા, રોહીતભાઇ મુનાભાઇ ઝંઝુવાડીયા તથા સાગરભાઈ મગનભાઈ પરમાર નામના ઈસમો તથા તેઓએ વેચેલ માલલેનાર ભંગારના ડેલાવાળા મંજુરહુસેન રહીમભાઇ ખુરેશી, હરીલાલ વિરુજી ગુર્જર તથા જાવેદભાઇ અલારખાભાઈ સિપાઇ નામના ઇસમો મળી કુલ ૬ ઇસમો પાસેથી અલગ અલગ હોર્સ પાવરની ૧૨ ઇલેકટ્રીક મોટરો જેને તોડી અલગ-અલગ પાર્ટસ મળી કુલ રૂ. ૧,૯૦,૦૦૦/- તથા બોલેરો પીકઅપનાં રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૪,૯૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ઇલેક્ટ્રીક મોટરચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી બંને ગુન્હાનો સંપુર્ણ મુદામાલ રીકવર કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓની મોડસઓપરેન્ડી એવી હતી કે, પકડાયેલ ત્રણેય આરોપીઓ અન્ય પકડવાના બાકી બે આરોપીઓ સાથે મળી પ્રથમથી પ્લાન કરી બોલેરો પીકઅપ ગાડી સાથે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપર ખેડુતોએ પોતાના પાકને પાણી પાવા માટે લગાડેલ ઇલેક્ટ્રીક મોટરો (ડેડકા)ની મોડી રાત્રીના સમયે ચોરી કરી આ તમામ મોટરો તોડી તેના અલગ અલગ પાર્ટસ અલગ અલગ ભંગારના વેપારીઓને વેચી નાંખી પોતાનો અંગત આર્થિક લાભ મેળવે છે. ત્યારે આ ટકે મોરબી પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશ આપતા જણાવવામાં આવ્યું છે કે, મોરબી જીલ્લાના તમામ નાગરીકો/ ખેડુતો તમારી વાડી /ખેતર કે નર્મદા કેનાલ ઉપર પાકને પાણી પાવા માટે લગાડેલ ઇલેકટ્રીક મોટરો જો રાત્રીના સમયે બંધ રહેતી હોય તો તેની સુરક્ષા માટે રાત્રીના સમયે દેખરેખ માટે કોઇ વ્યક્તિને રાખવા અને આવા વિસ્તારમાં મોડી રાત્રીના સમયે આવતા જતા શંકા સ્પદ વાહનો તથા માણસો અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી જેથી આપની કિંમતી ઇલેક્ટ્રીક મોટરોની ચોરીઓ થતી અટકાવી શકાય…









