વાંકાનેર અમરસર ફાટક પાસે આવેલા શીત કેન્દ્રની લેબોરેટરીમાંથી કમ્પ્યુટર, વજન કાંટાનું મોડ્યુલ, CCTV કેમેરા, UPS સહિતની ચીજવસ્તુઓ ગુમ થયાની ઘટનામાં તપાસ કરતાં રોજમદાર કર્મચારીએ જ તમામ વસ્તુઓ લઈ સ્લજ ટેન્કમાં નાખી બગાડી હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે સમગ્ર બનાવ મામલે કંપનીના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર અમરસર ફાટક પાસે આવેલ શીત કેન્દ્રમાં લેબોરેટરી વિભાગમાંથી કિંમતી ચીજવસ્તુઓ ગુમ થવાના બનાવે ચર્ચા જગાવી છે. ફરીયાદી અશ્વિનભાઈ છગનભાઈ રૈયાણી ઉવ.૪૮ રહે. રાજકોટ મવડી ગામ શ્યામ વાટીકા વાળા જે હાલમાં શીત કેન્દ્રમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમણે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ, ગત તા ૧૬ નવેમ્બર રવિવારના દિવસે રાજકોટ પોતાના ઘરે હોય તે દરમિયાન લેબ વર્કર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી કે, લેબોરેટરીમાં રાખેલી કમ્પ્યુટર સિસ્ટમ, વજન કાંટાનુ મોડ્યુઅલ, CCTV કેમેરા, UPS અને NVR જેવી અનેક ચીજવસ્તુઓ જગ્યાએ જોવા મળતી નથી. જેથી તુરંત ફરિયાદી અશ્વિનભાઈ તેમજ લેબ ઇન્ચાર્જ સંદીપ હિરપરા, એમડી કિશન ગાબરા સહિતના સભ્ય શીત કેન્દ્ર પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં કુલ રૂ.૧.૪૫ લાખનો મુદ્દામાલ ગાયબ હોય, પ્રાથમિક તપાસ દરમિયાન શંકા આવતાં રોજમદાર તરીકે કાર્યરત અલ્પેશભાઈ રતીલાલ જોલપરાની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેઓને વિશ્વાસમાં લઈ પુછપરછ દરમિયાન આરોપી અલ્પેશભાઈએ સ્વીકાર્યું કે તેમણે જ લેબોરેટરીમાંથી તમામ ચીજવસ્તુઓ કાઢી લઈ શીત કેન્દ્રના સ્લજ ટેન્કમાં ફેંકી દીધી હતી. સ્લજ ટેન્ક તપાસતાં તમામ ચીજવસ્તુઓ તેમાં નુકસાન પામેલી હાલતમાં મળી આવી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી અલ્પેશભાઈ રતિલાલ જોલપરા રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર વાળા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









