મોરબીમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા જીલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓએ ૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ફોર્મ ભરી આપવાનું રહેશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વયમર્યાદા અનુસાર ત્રણ વિભાગો નક્કી કરવામાં આવ્યા છે. વિભાગ “અ” માં ૭ થી ૧૦ વર્ષના, વિભાગ “બ” માં ૧૦ થી ૧૩ વર્ષના અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. ત્રણેય વિભાગોમાં મળીને કુલ ૨૦ કલાત્મક અને સાહિત્યિક કૃતિઓનો સમાવેશ થાય છે, જેમાં વક્તૃત્વ, નિબંધ, સર્જનાત્મક કારીગરી, એકપાત્રીય અભિનય, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્ય સંગીત ઉપરાંત લોકવાર્તા, લોકગીત, સમૂહગીત, ભજન, દોહા-છંદ-ચોપાઈ અને લોકનૃત્ય વગેરેનો સમાવેશ થાય છે. પ્રતિભાગીઓએ નિર્ધારિત નમૂનાનું ફોર્મ ભરી તા. ૩૦-૧૧-૨૦૨૫ સુધી કચેરીના કામકાજના દિવસો અને સમય દરમિયાન જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા પછી મળનાર અથવા અધૂરી માહિતી ધરાવતા ફોર્મ સ્વીકારવામાં નહીં આવે, તેમ જીલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.









