મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરે ક્લસ્ટર નં.૪ ની મુલાકાત લઈને સફાઈ ટીમની હાજરી તથા વિવિધ વિસ્તારોની સફાઈ વ્યવસ્થા તપાસી હતી. શહેરના અનેક મુખ્ય વિસ્તારોમાં નાળાની સફાઈ તેમજ ખાસ અઠવાડીક ઝૂંબેશ અંતર્ગત વિશાળ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરે તા. ૧૭ નવેમ્બરના રોજ ક્લસ્ટર નં. ૪ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ક્લસ્ટરમાં સફાઈ કામદારોની હાજરીની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ ત્રાજપર પ્રાથમિક શાળા નં.૧, માળીયા ત્રણ મંદિર પાસેનો વિસ્તાર, શક્તિ સોસાયટી, ભડીયાદ ગ્રામ પંચાયત પાસે આવેલ જી.વી.પી.પોઈન્ટ તેમજ ઉમિયા નગર-રામજી મંદિર નજીકના હેન્ડક્રાફટ પોઈન્ટની મુલાકાત લઈ સફાઈ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. જેમાં આલાપ રોડ, લીલાપર રોડ, ભડીયાદ અને ઇન્દિરા નગર નજીક આવેલ નાળાઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાળાની નિયમિત સફાઈથી પાણીના ભરાવ જેવી સમસ્યાઓ દૂર રહે તેવો મહાનગરપાલિકાનો પ્રયાસ છે.
આ ઉપરાંત અઠવાડિયાની ખાસ સફાઈ ઝૂંબેશ અંતર્ગત શહેરના અનેક રસ્તા અને જાહેર વિસ્તારોમાં વિશેષ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ધક્કાવાડી મેલડી માતાજીથી નવલખી ફાટક, રેલ્વે સ્ટેશન રોડથી વિસી ફાટક, અરુણોદય સર્કલથી પંચમુખી હનુમાન મંદિર સુધી તથા જંગલેશ્વર મહાદેવ મંદિરથી ભડીયાદ ગ્રામ પંચાયત સુધી સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ મયુર બ્રિજ નીચે, એવન્યુ પાર્કથી બાપા સીતારામ ચોક, હાઉસિંગ બોર્ડથી ઉમિયા સર્કલ, લીલાપર ચોકડીથી નવાગામ રોડ, રવાપર ચોકડીથી રવાપર ઘુનાડા રોડ અને રાજપર ચોકડી વિસ્તારની પણ સફાઈ કરવામાં આવી હતી.









